ક્રિસ ફાફોઇના રાજીનામા બાદ વુડને મહત્વપૂર્ણ મિનિસ્ટ્રી, પ્રિયંકા રાધાક્રિષ્નનને પણ મળ્યું પ્રમોશન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઇમિગ્રેશન મિનિસ્ટર ક્રિસ ફાફોઇ અને સ્પીકર ટ્રેવર મલાર્ડના રાજીનામાની જાહેરાત બાદ વડાપ્રધાન જેસિંડા આર્ડને પોતાના કેબિનેટમાં મોટા ફેરફાર કર્યા છે. ક્રિસ ફાફોઇએ પરિવાર સાથે સમય વિતાવવા માટે રાજીનામું આપ્યું છે અને તેમના સ્થાને માઇકલ વુડની નવા ઇમિગ્રેશન મિનિસ્ટર તરીકે વરણી કરવામાં આવી છે.

જેસિંડા આર્ડને ફાફોઇનો આભાર વ્યક્ત કર્યો
જેસિંડા આર્ડને નવા ફેરફારોની જાહેરાત સમયે જણાવ્યું હતું કે “આ એક નિર્ણય હતો જે ક્રિસે ચૂંટણી સમયે મને વ્યક્ત કર્યો હતો. વાસ્તવમાં, તેણે 18 મહિના પહેલા જ છોડવાનો ઈરાદો રાખ્યો હતો પરંતુ મેં તેને અમને બીજું વર્ષ આપવા કહ્યું હતું.” “અમારી ઇમિગ્રેશન પોલિસી પર તેમણે અત્યાર સુધી હાથ ધરેલા નોંધપાત્ર કાર્ય માટે હું આભારી છું. “મંત્રી તરીકેનું તેમનું યોગદાન ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ ઘણા વર્ષોથી તેમના યોગદાન માટે તેમના સાથીદારોના પ્રેમ અને આભાર સાથે જાય છે અને તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે.

વર્તમાન સ્પીકર ઓગસ્ટના મધ્યમાં રાજીનામું આપશે
ટ્રેવર મેલાર્ડ ઓગસ્ટના મધ્યમાં ગૃહના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે “જેમ કે તેઓ યુરોપમાં રાજદ્વારી પદ સંભાળવાની તૈયારી કરી રહ્યા છે”. “ટ્રેવર 35 વર્ષથી સાંસદ છે અને તેમની સમગ્ર કારકિર્દીમાં શિક્ષણ, શ્રમ અને રગ્બી વર્લ્ડ કપ સહિત 13 અલગ-અલગ મંત્રી તરીકે કાર્ય કર્યું છે. હાલ તેઓ પાંચ વર્ષથી સ્પીકરપદ સંભાળી રહ્યા હતા. આર્ડર્ને જણાવ્યું હતું કે 2020ની ચૂંટણી પછી, મેલાર્ડે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ “આ કાર્યકાળ દરમિયાન સ્પીકરની ભૂમિકામાંથી બહાર નીકળીને અન્ય કોઈને તક આપવા આવે અને પોતે નવા પડકારોનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

માઇકલ વુડ ઇમિગ્રેશન મિનિસ્ટર
“માઇકલ વુડ ઇમિગ્રેશન મંત્રી તરીકેની જવાબદારી સંભાળશે, જે તેમના કાર્યસ્થળ સંબંધોના પોર્ટફોલિયો સાથે બંધ બેસે છે અને કોવિડ આર્થિક પુનઃપ્રાપ્તિમાં લેબર સરકારના ઇમિગ્રેશન રીસેટના ભાગ રૂપે કૌશલ્યો પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરશે તેમ વડાપ્રધાન જેસિંડા આર્ડને જણાવ્યું હતું અને સાથે જ માઇકલ વુડને એક જવાબદાર અને પ્રતિભાશાળી મંત્રી તરીકે પણ સંબોધ્યા હતા.

કિવી-ભારતીય સાંસદ પ્રિયંકા રાધાકૃષ્ણનનો કેબિનેટમાં પ્રવેશ
કિવી-ભારતીય સાંસદ પ્રિયંકા રાધાક્રિષ્નન કે જેઓ અત્યાર સુધી કેબિનેટની બહાર સરકારમાં મંત્રી હતા તેમને એસોસિયેટ વર્કપ્લેસ રિલેશન્સ અને સેફ્ટીનો પોર્ટફોલિયો સોપવામાં આવ્યો છે. આ સાથે જ પ્રિયંકા રાધાક્રિષ્નની કેબિનેટ મંત્રી તરીકેની બઢતી થઇ છે.