- જાડેજાએ સિરાજના હાથનો લીસ્સો પદાર્થ આંગળી અને બોલ પર લગાવ્યો હોવાનો આરોપ
- ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોઘન અને ઓસ્ટ્રેલિયાના કીપર ટીમ પેઇને સવાલ ઉઠાવ્યા
ભારત-AUSની પ્રથમ ટેસ્ટમાં હંગામો, જાડેજા પર બોલ સાથે ટેમ્પરિંગનો આરોપ, જાણો સમગ્ર મામલો
નાગપુર ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ ઇનિંગમાં ઘાતક બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપી હતી. હવે પહેલા દિવસની રમતને લઈને જાડેજા સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માઈકલ વોન અને ટિમ પેને આ વીડિયોના બહાને જાડેજાની બોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.
હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે જાડેજા એક પ્રસંગે બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ Foxsports.com.au એ આ વીડિયો શેર કર્યો છે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન કોમેન્ટ્રી કરવામાં ક્યાં પાછળ હતા? માઈકલ વોને ફોક્સ સ્પોર્ટની ટ્વીટ શેર કરતા લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. તે સમયે કાંગારૂ ટીમ વતી એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ બેટિંગ કરી રહ્યા હતા.
જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોઈને જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા માટે કોઈ મલમ લગાવ્યું હશે. જો કે, માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેઓએ એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ આ અંગે ટિપ્પણી કરી હતી. ટિમ પેને લખ્યું, ‘ઇન્ટરેસ્ટિંગ.’
શું ઓસ્ટ્રેલિયન મીડિયા કેપટાઉન ટેસ્ટને ભૂલી ગયું છે?
જો ઇતિહાસ જોવામાં આવે તો બોલ ટેમ્પરિંગને લઈને વિદેશી ખેલાડીઓ તેમાં હંમેશા નામાંકિત રહ્યા છે. 2018 માં, દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે બોલ ટેમ્પરિંગ માટે બે ખેલાડીઓ પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.