ઉંઘી ગયેલા બાળકને કારમાં છોડી આઇસક્રીમ ખરીદી બહાર આવતા કાર લઇ ગઠિયો ગાયબ
થોડે દૂરથી બાળકને મૂકીને ગઠિયો રફૂચક્કર, બાળક મળ્યા બાદ પિતાએ કહ્યું, ‘તમે ભૂલથી પણ આવું ન કરતા’
ઘણી વાર સારું કરવાની લ્હાયમાં એવું ખોટું થઇ જાય છે કે જિંદગી ભર પસ્તાવાનો વારો આવી શકે છે. બાળકની ઉંઘમાં ખલેલ ન પહોંચે તે માટે મેલબોર્નમાં એક પિતા કારમાં એસી ચાલુ રાખીને બાળક છોડીને આઇસક્રીમ લેવા માટે ગયા હતા. બસ આ જ તકનો લાભ ઉઠાવી ગઠિયો બાળક અને કાર સાથે ગાયબ થયો હતો. ક્ષણભરમાં જ આઇસક્રીમ લઇને પાછા ફરેલા પિતાને હવે ભૂલ પર પસ્તાવો થઇ રહ્યો છે. કારણ કે તેને તેનો દિકરો ઘટનાસ્થળથી 350 મીટર દૂર મળી આવ્યો હતો જ્યારે ચોરને ભાન થયું કે તેને કારની સાથે બાળકને પણ ઉઠાવી લીધો છે.
ચેલ્સિયામાં રવિવારે બપોરે 3.45 વાગ્યે આ ભયાનક ઘટના બની હતી જ્યારે પિતાએ તેના “શાંતિથી સૂઈ રહેલા” પુત્રને જગાડવાનું નક્કી કર્યું ન હતું અને તેના બદલે કારને અનલોક છોડી દીધી હતી અને એર કન્ડીશનીંગ ચાલુ રાખ્યું હતું. થોડી મિનિટો પછી, એક માણસ કે જે ગ્રે ફોક્સવેગન ટિગુઆનનું “નિરીક્ષણ” કરી રહ્યો હતો, તે બાળક અને કાર સાથે ફરાર થઇ ગયો હતો.
ડિટેક્ટીવ એક્ટિંગ સિનિયર સાર્જન્ટ ગ્રાન્ટ લુઈસે સોમવારે જણાવ્યું હતું કે, “ચેલ્સિયાની દુકાનોના પાછળના ભાગમાંથી લગભગ 350m બહારથી બાળકને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ” ગઠીયો “ત્યારબાદ બાળકને રસ્તાની બાજુએ મૂકીને નેપિયન હાઈવે પર ફ્રેન્કસ્ટન તરફ ભાગી છૂટ્યો હતો.” તેમણે કહ્યું કે જ્યારે કાર ચોર મળી આવશે ત્યારે તેના પર જીવનને જોખમમાં મૂકતા અવિચારી વર્તનનો આરોપ મૂકવામાં આવશે. પોલીસે ચોરાયેલી કારની શોધ કરી હતી, જોકે હજુ સુધી તેમાં સફળતા મળી નથી. લગભગ સાંજે 5.10 વાગ્યે, એક વ્યક્તિ કારમાં રહેલા પિતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સાઉથ ઓકલીગ મેકડોનાલ્ડ્સના વોરીગલ રોડ પર સીસીટીવીમાં કેદ થયો હતો. આ વ્યક્તિનું વર્ણન લગભગ 20 વર્ષનું છે, તેનો રંગ ઓલિવ, મૂછો અને ખભા-લંબાઈના ઘેરા વાળ છે. તેણે સફેદ કેપ, કાળી ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. કારમાં BEL 650 રજિસ્ટ્રેશન પ્લેટ છે.
સીસીટીવી, ડેશકેમ ફૂટેજ, માહિતી અથવા ઘટનાના સાક્ષી હોય તેવી કોઈપણ વ્યક્તિ પાસે પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.