મેહુલ ચોકસીને ભારત લાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે
ભારતમાં 13,000 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં વોન્ટેડ હીરાના વેપારી મેહુલ ચોક્સીએ કોર્ટની લડાઈ જીતી લીધી છે. એન્ટિગુઆ અને બાર્બુડા હાઈકોર્ટે શુક્રવારે મેહુલ ચોકસીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બાર્બુડામાંથી બહાર લઈ જઈ શકાય નહીં. આવી સ્થિતિમાં મેહુલ ચોકસીને ભારત લાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેણે તેના સિવિલ દાવામાં દલીલ કરી છે કે એન્ટિગુઆના એટર્ની જનરલ અને પોલીસ વડાની ફરજ છે કે તેઓ તેમની સામે દાખલ થયેલા કેસોની તપાસ કરે.
હાઈકોર્ટમાં મેહુલ ચોક્સીએ પોતાને રાહતની માંગ કરતા કહ્યું કે, 23 મે, 2021ના રોજ એન્ટીગુઆ અને બાર્બુડામાંથી તેના બળજબરીથી અપહરણની તપાસ થવી જોઈએ. આ મામલાને ગંભીરતાથી લેતા કોર્ટે આદેશ આપ્યો હતો કે મેહુલ ચોકસીને કોર્ટના આદેશ વિના એન્ટિગુઆ અને બાર્બુડા બોર્ડરથી બહાર ન લઈ જવામાં આવે.
આ સાથે કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે ડોમિનિકન પોલીસે તપાસ કરવી જોઈએ કે શું એવા પુરાવા છે કે ચોક્સીને તેની મરજી વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો કે નહીં?
સીબીઆઈએ કહ્યું છે કે તે ભાગેડુ અને ગુનેગારોને ફોજદારી ન્યાયની પ્રક્રિયાનો સામનો કરવા માટે ભારતમાં પાછા લાવવાના તમામ પ્રયાસો કરવામાં અચકાશે નહીં. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 મહિનામાં 30 થી વધુ વોન્ટેડ અપરાધીઓ ભારત પરત ફર્યા છે. સીબીઆઈએ 15 ફેબ્રુઆરી 2018ના રોજ મેહુલ ચોક્સી અને અન્ય લોકો વિરુદ્ધ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો.
તમને જણાવી દઈએ કે ગયા મહિને ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલરના છેતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ હટાવી દીધી છે. મેહુલ ચોક્સીને ડિસેમ્બર 2018માં રેડ નોટિસમાં ઉમેરવામાં આવ્યો હતો. ઈન્ટરપોલની વોન્ટેડ લિસ્ટમાંથી ચોક્સીનું નામ હટાવવાનો ભારત સરકારે “જોરદાર વિરોધ” કર્યો હતો, પરંતુ વૈશ્વિક નીતિ સંસ્થાને ખાતરી થઈ ન હતી.