મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકની 13,500 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ, નીરવ મોદી સાથે મળીને PNB બેંકનું ફુલેકું ફેરવી નાસી છૂટયો હતો મેહુલ ચોક્સી

બ્રસેલ્સ: પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે હીરાના વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે. ચોક્સીની શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના આદેશ પર ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે. ચોક્સી બેલ્જિયમમાં જોવા મળ્યા બાદ ભારતીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના અધિકારીઓને ઔપચારિક પત્ર મોકલીને તેની ધરપકડ કરવાની માંગ કરી હતી. બેલ્જિયમ પોલીસે 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના ​​રોજ મુંબઈની એક અદાલત દ્વારા જારી કરાયેલા વોરંટના આધારે ચોક્સીની ધરપકડ કરી હતી.

ચોક્સી પર 13500 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. 65 વર્ષીય મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બરબુડાની નાગરિકતા લીધી છે. ભારત હવે બેલ્જિયમ પાસેથી ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરશે. ચોક્સીની સાથે, નીરવ મોદી પણ ભારતમાં બેંક કૌભાંડમાં સહ-આરોપી છે. તે હાલમાં લંડનથી પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યો છે. આ બંને જાન્યુઆરી 2018 માં ભારતથી ભાગી ગયા હતા. આના થોડા દિવસો પછી, પંજાબ નેશનલ બેંકમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું.

ચોકસીએ જામીન માંગ્યા
બેલ્જિયમમાં ધરપકડ બાદ, મેહુલ ચોકસીએ ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને જામીન માંગ્યા છે. ચોક્સીના વકીલ કહે છે કે તેમના અસીલ બીમાર છે. તેથી, તેને જામીન પર મુક્ત કરવો જોઈએ. વકીલે જણાવ્યું હતું કે ચોક્સી સારવાર માટે એન્ટિગુઆ અને બાર્બુડાથી બેલ્જિયમ આવ્યો હતો અને તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો. આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ભારતીય એજન્સીઓ CBI અને ED એ બેલ્જિયમની કોર્ટમાં ચોક્સીના જામીન રોકવા અને તેના પ્રત્યાર્પણ માટે તૈયારી શરૂ કરી દીધી છે. એજન્સીઓ ચોક્સીને ભારત પાછા લાવવા અને તેની સામે કેસ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ચોક્સીની નાગરિકતા, તબીબી સ્થિતિ અને કાનૂની પ્રક્રિયાને કારણે આ સરળ નહીં હોય.