વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચનો દિવસ આવી ગયો છે. જ્યાં ન માત્ર ટીમ ઇન્ડિયા માટે પરંતુ ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ બાબત આજે ઇતિહાસના પન્નાઓમાં લખાશે. આજે 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ જંગ શરૂ થશે. નમસ્કાર ગુજરાતના પ્રતિનિધિ અમિત શાહ લંડન પહોંચી ચૂક્યા છે અને તેમણે વિશેષ જાણકારી આપી છે કે ગુજરાતી મૂળની બ્રિટિશ ગાયિકા ગીતા ઝાલા ભારતનું રાષ્ટ્રગાન મેચ પહેલા ગાશે.
ભારતીય ટીમે સતત બે વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભાગ લીધો છે. આ તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. પરંતુ આટલું જ નહીં અને ગર્વની વાત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ભારતનું રાષ્ટ્રગીત ગાવાની જવાબદારી પણ એક ભારતીય ગાયિકાને આપવામાં આવી છે જેનું નામ છે ગીતા ઝાલા. ગીતા ટેસ્ટ મેચની શરૂઆતમાં ઓવલ મેદાનમાં ભારતનું રાષ્ટ્રગીત ગાતી જોવા મળશે. ઈંગ્લેન્ડમાં ગુજરાતી મહિલા ગાયિકા દ્વારા રાષ્ટ્રગીત ગાવાનો આ પ્રથમ પ્રસંગ છે.
મૂળ બ્રિટિશ ભારતીય પરંતુ હાલમાં ભારતમાં રહેતી ગીતાએ જણાવ્યું કે “જ્યારે મને ICC દ્વારા ભારતનું રાષ્ટ્રગીત ગાવા માટે પસંદ કરવામાં આવી ત્યારે મારા આનંદની કોઈ સીમા ન રહી. આ ગર્વની વાત છે કે કરોડો લોકો તમને તમારા દેશનું રાષ્ટ્રગીત ગાતા સાંભળે. હું ચોક્કસપણે થોડો નર્વસ છું પરંતુ જ્યારે તમે રાષ્ટ્રગીત ગાઓ છોત્યારે તેનો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે.
કેવી રીતે ગીતા ઝાલાની પસંદગી થઇ ?
ગીતાનું નામ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આઈસીસીને સૂચવ્યું હતું. લગભગ બે-ત્રણ મહિના સુધી તેની પસંદગીની પ્રક્રિયા ચાલી અને અંતે ગીતા ઝાલાનું નામ અનેક ગાયકોની યાદીમાંથી ફાઈનલ થયું.
છેલ્લા ઘણા સમયથી મુંબઈ અને દિલ્હીમાં રહેતી ગીતાએ બોલિવૂડ ગીતોની સાથે પંજાબી અને ગુજરાતી ગીતોથી પણ પોતાનું નામ રોશન કર્યું છે. બોલિવૂડમાં મિકા સિંહ સાથે ઘણા કાર્યક્રમો કર્યા બાદ ગીતા તેને પોતાનો મેન્ટર માને છે. અગાઉ 2018ની IPL સ્પર્ધામાં પણ તેણીએ પોતાની ગાયિકીનો જાદુ ફેલાવ્યો હતો.
અમિત શાહ નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ધ ઓવલ, લંડન