પાકિસ્તાને આપેલા તોતિંગ લક્ષાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 19મી ઓવરમાં જ જીત મેળવી

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાને આપેલા તોતિંગ લક્ષાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 19મી ઓવરમાં જ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની જીતનો હિરો મેથ્યુ વેડ રહ્યો હતો. તેણે મેચની અંતિમ ઓવરોમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ 41 રન ફટકાર્યા હતા. સ્ટોઇનિસે તેને સાથ આપતા 31 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા.

મેથ્યુ વેડે શાહીન આફ્રિદીના બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયા હવે 14 નવેમ્બરે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયન ટીમને છેલ્લી ચાર ઓવરમાં 50 રનની જરૂર હતી, પરંતુ ત્રણ ઓવરમાં જ મેચ પલટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 17મી ઓવરમાં 13 રન, 18મી ઓવરમાં 15 રન અને શાહીન આફ્રિદીની 19મી ઓવરમાં 22 રન બનાવ્યા હતા અને લક્ષ્ય પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું
મેથ્યુ વેડે શાહીનની 19મી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી અને ઓસ્ટ્રેલિયાને બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું. આ પહેલા ટીમ 2010માં ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે તેને ફાઇનલમાં હરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 14 નવેમ્બરે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. આ વર્ષે વિશ્વને એક નવો T20 ચેમ્પિયન મળશે.