મનુરેવાના બાલફોર રોડ પર મોડી રાત્રે બનેલી ઘટનાથી ખળભળાટ; શુક્રવારે રાત્રે અંદાજે 11:10 વાગ્યાની ઘટના, વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઓકલેન્ડ: સાઉથ ઓકલેન્ડના (South Auckland) મનુરેવામાં (Manurewa) શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ન્યુઝીલેન્ડ પોલીસે હત્યાનો (Homicide) તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બાલફોર રોડ પર ફાયરિંગ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે અંદાજે 11:10 વાગ્યે બાલફોર રોડ (Balfour Road) પર એક વ્યક્તિને ગોળી વાગી હોવાના અહેવાલો મળતા ઇમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલી તે વ્યક્તિને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવી હતી.
પોલીસ તપાસ અને સુરક્ષા હાલમાં પોલીસે જે-તે સ્થળે કોર્ડન (નાકાબંધી) કરી દીધી છે અને ફોરેન્સિક ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે સ્થાનિક રહીશોને ખાતરી આપી છે કે જાહેર જનતા માટે હાલમાં કોઈ વધારાનું જોખમ નથી, પરંતુ તપાસના ભાગરૂપે વિસ્તારમાં પોલીસની હાજરીમાં વધારો જોવા મળશે.
માહિતી આપવા અપીલ પોલીસે આ ઘટના અંગે કોઈ પણ પ્રકારની જાણકારી ધરાવતા લોકોને પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરી છે. માહિતી આપવા માટે પોલીસના હેલ્પલાઇન નંબર 105 પર કોલ કરી શકાય છે અને સંદર્ભ નંબર 260109/6338 ટાંકી શકાય છે.