ભારત અને માલદીવ વિવાદ વચ્ચે ભારતીયો હવે માલદીવ બાયકોય કરી રહયા છે ત્યારે માલદીવના પ્રવાસન ઉદ્યોગને ફટકો લાગવાની ભીતિ ઊભી થતાં જ હવે માલદીવ્સ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારત માલદીવના પ્રવાસન ઉદ્યોગમાં સતત અને મહત્વપૂર્ણ યોગદાન આપતો દેશ રહ્યો છે.
ભારત એક સહયોગી દેશ છે જેણે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન અમારી સરહદો ખોલ્યા પછી પાટા પર પાછા આવવાના અમારા પ્રયત્નોને સમર્થન આપ્યું હતું.

માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનોને લઈને વિવાદ ચાલુ છે ત્યારે આવા સમયે માલદીવમાં વિપક્ષે વર્તમાન સરકારની ભારત વિરોધી નીતિ માટે ટીકા કરી છે. માલદીવના પર્યટન ઉદ્યોગ પર નકારાત્મક અસરના સમાચાર વચ્ચે હવે માલદીવના પ્રવાસન ઉદ્યોગે પણ મુઈઝુ સરકારના આ મંત્રીઓને ઠપકો આપ્યો છે.
માલદીવ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (MATI) એ પણ આ અંગે ભારત તરફી એક નિવેદન બહાર પાડ્યું છે અને ભારતની પ્રશંસા કરી છે.

માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તે સરકારના કેટલાક નાયબ મંત્રીઓ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલા વાંધાજનક નિવેદનોની તે સખત નિંદા કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ભાગીદાર દેશ રહ્યો છે. માલદીવના ઈતિહાસના દરેક સંકટમાં ભારત અમારી સાથે ઊભું રહ્યું છે. ભારત સરકાર અને લોકોએ અમારી સાથે જે ગાઢ સંબંધ બાંધ્યો છે તેના માટે અમે આભારી છીએ.