એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ આગોતરી નોટિસ કે સૂચના વિના રજા પર ઉતરી ગયેલા 25 કર્મચારીઓને સામૂહિક રીતે કાઢી મૂક્યા છે.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 25 કેબિન ક્રૂ સભ્યોએ અચાનક ‘સિક લીવ’લાગુ કરીને રજા લઈ લેતા કામકાજ ઠપ્પ થઈ ગયું હતું અને એરલાઈને મંગળવાર રાતથી તેની 90 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી પરિણામે હજારો મુસાફરો પરેશાન થયા છે.

વાસ્તવમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસની માનવ સંસાધન (HR) નીતિમાં થયેલા ફેરફારોના વિરોધમાં વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોનું એક જૂથ રજા પર ઉતરી ગયું હતું.

એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ (અગાઉ એર એશિયા ઈન્ડિયા તરીકે ઓળખાતું) મર્જ થવા માટે તૈયાર છે.

આ વિસ્તરણને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સે હવે કેબિન ક્રૂની ભરતી કરવાનું શરૂ કર્યું છે આનાથી કેટલાક કેબિન ક્રૂ આને લઈને નારાજ થઈ ગયા છે.

રજા પર જઈ રહેલા કેબિન ક્રૂ મેમ્બર્સને ઈમેલ દ્વારા તેમની સમાપ્તિ વિશે જાણ કરવામાં આવી છે.

એરલાઈને ઈમેલમાં કહ્યું છે કે ક્રૂ મેમ્બર કોઈ કારણ વગર જાણીજોઈને ગેરહાજર રહ્યા હતા. તેની ગેરહાજરી પાછળ કોઈ ચોક્કસ કારણ હોય તેવું લાગતું નથી.

મોટા પાયે માંદગીની રજા લેવી એ નિયમોનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, પરંતુ આમ કરીને કર્મચારીઓએ તેમના પર લાગુ ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ એમ્પ્લોઈ સર્વિસ રૂલ્સ’નું પણ ઉલ્લંઘન કર્યું છે.