એનસીપીના બળવાખોર નેતાઓ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થાય તેવી શક્યતા, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને DYCM ફડણવીસ રાજભવન પહોંચ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ થવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી નેતા અજિત પવાર એકનાથ શિંદેની સરકારમાં સામેલ થઈ શકે છે. તેઓ આજે જ શપથ લઈ શકે છે. અજિત પવારને NCPના 53માંથી 29 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે. સમાચાર આવી રહ્યા છે કે અજિત પવાર વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ સાથે સમાચાર આવી રહ્યા છે કે છગન ભુજબળને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ ક્યારે પહોંચે છે તેની રાહ જોવાઈ રહી છે.
અજિત પવાર ઘરેથી રાજભવન પહોંચ્યા
રવિવાર, 1 જુલાઈના રોજ, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બંને કાર્યકારી અધ્યક્ષો સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. આ સાથે દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દોલત દોરાડા જેવા નેતાઓ પહોંચ્યા છે. બેઠક પુરી થયા બાદ અજિત પવાર ઘરથી સીધા રાજભવન જવા રવાના થયા હતા.
અજિત પવારનું જૂથ રાજભવન પહોંચ્યું
મહારાષ્ટ્રના રાજભવન ખાતે અજિત પવારના આગમનની સાથે જ હંગામો શરૂ થઈ ગયો છે. અજિત પવારની સાથે તેમના સમર્થક ધારાસભ્યો પણ રાજભવન ખાતે ભેગા થવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારના નજીકના ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. રાજભવનમાં હંગામાની સાથે જ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે બીજેપી નેતાઓની મોટી બેઠક ચાલી રહી છે.
અજિત પવાર સાથે સંભવિત મંત્રી
છગન ભુજબળ
હસન મુશ્રીફ
દિલીપ વાલસે પાટીલ
ધનંજય મુંડે
અદિતિ તટકરે
અનિલ ભાઈદાસ પાટીલ
બાબુરાવ આત્રામ
સંજય બનસોડે