શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સુનીલ પ્રભુએ એકનાથ શિંદેની ગેરલાયકાત અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
NCPમાં બળવા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સુનીલ પ્રભુએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના મામલાને ટાંક્યો છે જે હજુ પણ સ્પીકર પાસે પેન્ડિંગ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ સ્પીકરે હજુ સુધી એકનાથ શિંદે અને તેમની વિરુદ્ધ બળવો કરનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
સુપ્રીમ કોર્ટનો આદેશ મે મહિનામાં આવ્યો હતો
ગયા વર્ષે 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવો થયો હતો. આ પછી, શિવસેના (શિંદે જૂથ)એ ભાજપ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી. તેની સામે ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથે એકનાથ શિંદે અને તેમની સાથેના 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ ઉઠાવી હતી.
આ વર્ષે મે મહિનામાં મહત્વની ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે મામલો મોટી બેંચને મોકલી આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, રાજ્યપાલનો ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ ખોટો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેની સરકારને પુનઃસ્થાપિત કરી શકાય નહીં કારણ કે તેમણે પોતે રાજીનામું આપ્યું હતું.
સુપ્રીમે સ્પીકરને ગેરલાયક ઠેરવવાનો આદેશ આપ્યો
આ સાથે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય સ્પીકર પર છોડી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય વિધાનસભાના સ્પીકર કરશે. સુપ્રીમ કોર્ટે સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવા કહ્યું હતું. કોર્ટે એવી પણ ટીપ્પણી કરી હતી કે પક્ષમાં વિભાજન ગેરલાયકાતની કાર્યવાહી ટાળવા માટેનું કારણ બની શકે નહીં.