ગુજરાતમાં ભાજપના રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજપૂત સંગઠનોમાં ભારે રોષ છે અને રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામ નજીક સાંજે ચાર કલાકે ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાઈ રહ્યું છે જે માટે રાજકોટ પોલીસ દ્વારા આજે રવિવાર તા. 14ના સાંજે 4થી રાત્રિના 9 સુધી સભાની મંજુરી પણ મળી ગઈ છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ,યુપીથી લાખ્ખોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડશે.

રતનપરમાં આજે નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં 2 આસિ.પો.કમિ., 4 પી.આઈ., મહિલા સહિત 14 પી.એસ.આઈ., 150 પોલીસ કોન્સ્ટેબલો,હેડકોન્સ્ટેબલો તથા ટ્રાફિક પોલીસનો કાફલો તૈનાત રહેશે.
ક્ષત્રિય આગેવાનોએ પણ આ સંમેલનમાં આવનાર ભાઈ-બહેનોને કાયદાની મર્યાદામાં શાંતિપૂર્ણ રીતે પધારવા તેમજ આ આંદોલનથી આમ નાગરિકોને કોઈ મૂશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. 

મહત્વનું છે કે ગત સાંજે ક્ષત્રિય આગેવાનોની કોર કમિટિની બેઠક મળી હતી જેમાં રૂપાલાના મુદ્દે કોઈ સમાધાન નહીં કરવા અને તેમની ટિકીટ કપાય તે એક જ માંગ માટે અડગ રહેવા આખરી નિર્ણય લેવાયો હતો.
ત્યારબાદ પણ જો રૂપાલાની ટિકીટ રદ ન થાય અને નિયત સમય તા. 16ના બપોરે 12.29 વાગ્યે તેઓ ફોર્મ ભરે તો તે પછી આગળની પાર્ટ-2 આંદોલનની રણનીતિ સાથે ખરાખરીનો જંગ શરૂ થવાના એંધાણ જોવા મળી રહયા છે. ભાજપના અનેકવિધ પ્રયાસો આ રોષને ઠારવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે આ આંદોલનની આગ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રસરે તેવા એધાણ જોવા મળી રહયા છે અને અત્યાર સુધી શાંત વાતાવરણ વર્ગ વિગ્રહમાં પરિણમે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.