ન્યુઝીલેન્ડમાં લોઅર હટથી 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો છે. અહીં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે.

પશ્ચિમ એશિયાના દેશો તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે ઓસ્ટ્રેલિયા મહાદ્વીપના દક્ષિણમાં આવેલો દેશ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપથી હચમચી ગયો છે. ન્યુઝીલેન્ડમાં બુધવારે (15 ફેબ્રુઆરી) બપોરે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપની રિપોર્ટિંગ એજન્સી EMSCએ જણાવ્યું કે ન્યૂઝીલેન્ડમાં લોઅર હટથી 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીં રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે.

તુર્કી-સીરિયા પછી ન્યુઝીલેન્ડમાં આફત

ન્યુઝીલેન્ડમાં એક અઠવાડિયાથી ચક્રવાત “ગેબ્રિયલ” નો ખતરો તોળાઈ રહ્યો હતો. આ ચક્રવાતને કારણે અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. અહીંના 6 વિસ્તારોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.

દરિયાઈ તોફાનના કારણે પૂર-ભુસ્ખલન
તોફાનના કારણે ન્યુઝીલેન્ડમાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનનો ભય છે. તે જ સમયે, પૂરના કારણે મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થયું છે.

રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડી
ન્યુઝીલેન્ડ સરકારની એક અખબારી યાદીમાં મંગળવારે (14 ફેબ્રુઆરી) રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિની જાહેરાત કરવામાં આવી હતી, જે છ એવા વિસ્તારોને લાગુ પડશે કે જેમણે પહેલેથી જ સ્થાનિક કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. આ વિસ્તારોમાં ન્યુઝીલેન્ડના નોર્થલેન્ડ, ઓકલેન્ડ, તાઈરાવિટી, બે ઓફ પ્લેન્ટી, વાઈકાટો અને હોક્સ બેનો સમાવેશ થાય છે.

તોફાન વિશે બોલતા, ન્યુઝીલેન્ડના ઇમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કિરન મેકએનલ્ટીએ જણાવ્યું હતું કે, “આ એક અભૂતપૂર્વ ઘટના છે જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર મોટી અસર કરી રહી છે.” “આપણો દેશ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, લોકો વ્યાપક પૂર, માટી ધસી પડવાથી અને રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન સામે લડી રહ્યા છે. હજારો ઘરો વીજળી વગરના છે”.