ટેનિસમાં એક સિલ્વર, આર્ચરીમાં સિલ્વર અને બ્રોન્ઝ, તો સ્વિમિંગમાં આર્યન નહેરાએ અપાવ્યો બ્રોન્ઝ, બેડમિન્ટન અને ટેનિસમાં મેડલ નિશ્ચિત કરતા ગુજરાતી ખેલાડીઓ
અમદાવાદ, ઑક્ટોબર 4:
ગુજરાત માટે આજનો દિવસ મેડલોનો રહ્યો હતો. સ્વિમિંગ સેન્સેશન માના પટેલે ગુજરાતને જરાય નિરાશ કર્યું ન હતું અને એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. માના પટેલે 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ રાજ્યને અપાવ્યો હતો. આ તરફ તીરંદાજી, ટેનિસ અને બેડમિન્ટનમાં પણ ગુજરાત માટે સારો દિવસ રહ્યો હતો.
માના પટેલે સાત વર્ષ પહેલા સેટ કરેલા તેના પોતાના નેશનલ ગેમ્સના માર્કમાં સુધારો કરીને 200 મીટર બેકસ્ટ્રોકમાં 2:19.74 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે બીજા સ્થાને રહેલી પશ્ચિમ બંગાળના સૌબ્રીટી મોંડલ (2:23.80)ને લગભગ ચાર સેકન્ડથી હરાવી હતી. મહારાષ્ટ્રની પલક જોશી (2:25.09)એ બ્રોન્ઝ જીત્યો હતો.
ગુજરાતની સ્થાનિક સ્ટાર તેની 50 મીટર ફ્રીસ્ટાઈલ ફાઈનલ માટે તરત જ પુલમાં પાછી આવી હતી અને મહારાષ્ટ્રની નેશનલ ચેમ્પિયન અવંતિકા ચૌહાણ સામે ટક્કર હતી. અત્યંત રોમાંચક ફાઇનલમાં, અવંતિકા ચવ્હાણે 26.54 સેકન્ડ સાથે ન માત્ર ગોલ્ડ જીત્યો હતો પરંતુ માના પટેલના નેશનલ રેકોર્ડને પણ બ્રેક કર્યો હતો. માના પટેલ 26.69 સેકન્ડ સાથે બીજા સ્થાને રહી હતી અને તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. જ્યારે કર્ણાટકની નીના વેંકટેશે 27.21 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો.
અગાઉ, આર્યન નેહરાએ ગઈકાલે પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આજે તેણે મેડલ ટેલીમાં બીજો ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આર્યને 400 મીટર મેડલીમાં બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી હતી. આમ મંગળવારે ગુજરાત માટે સ્વિમિંગ કમ્પિટીશનમાં ત્રણ મેડલ આવ્યા હતા.
આ તરફ સંસ્કારધામ સ્કૂલમાં ચાલી રહેલી આર્ચરી ઇવેન્ટમાં ભારતીય તીરંદાજી કેટેગરીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મહિલાઓની વ્યક્તિગત ઈવેન્ટમાં, અમિતા રાઠવા મણિપુરની ઓકરામ નાઓબી ચાનુ સામે શૂટ-ઓફમાં ગોલ્ડ મેડલ મેચ હારી ગઈ હતી. જેથી તેના ફાળે સિલ્વર મેડલ આવ્યો હતો. જ્યારે સવારના સેશનમાં અમિતાએ ઉર્વશીબા ઝાલા, સ્નેહા પટેલ અને જેનીશા જતિ સાથે મળીને ગુજરાતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો. બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફમાં ગુજરાતે ઝારખંડને હાર આપી હતી.
રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના ટેનિસ કોર્ટના યજમાનો માટે વધુ સારા સમાચાર હતા કારણ કે ધ્રુવ હિરપરા અને માધવીન કામતની ડબલ્સ જોડીએ ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં કર્ણાટકના પ્રજ્વલ દેવ અને આદિલ કલ્યાણપુરની મજબૂત જોડીએ ધ્રુવ અને માધવીનને 6-3, 6-4થી હાર આપીને ગોલ્ડ જીત્યો હતો.
અગાઉના દિવસે, ઝીલ દેસાઈએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરીને ગોલ્ડ અથવા સિલ્વર મેડલ ગુજરાત માટે નિશ્ચિત કર્યો છે. ઝીલ દેસાઇએ મહારાષ્ટ્રની રુતુજા ભોંસલેને સેમિફાઇનલમાં હાર આપી હતી. ઝીલ દેસાઇએ પ્રતમ સેટ 6-0થી જીત્યો હતો અને ત્યારબાદ રુતુજાએ છોડવાનો નિર્ણય કર્યો હતો. ઝીલ હવે ગોલ્ડ મેડલ મેચમાં કર્ણાટકના શર્મદા બાલુ સામે ટકરાશે.
બેડમિન્ટમાં પણ ગુજરાત માટે યાદગાર દિવસ રહ્યો હતો. સુરતમાં રમાઇ રહેલા બેડમિન્ટન ઇવેન્ટમાં આર્યમન ટંડને પ્રથમ વખત ગુજરાત માટે નેશનલ ગેમ્સ મેડલ સુનિશ્ચિત કર્યો છે. આર્યમાન ટંડને હરિયાણાના ચોથા ક્રમાંકિત રવિને 21-15, 21-7થી હરાવી મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે તેનો મુકાબલો બીજા ક્રમાંકિત કર્ણાટકના એમ મિથુન સામે થશે, જેણે મહારાષ્ટ્રના શુભંકર ડેને 19-21, 26-24, 21-17થી એક કલાક અને 32 મિનિટમાં હરાવ્યો હતો.
જો કે, તે જુનિયર વિશ્વની નંબર 1 તસ્નીમ મીરને હારનો સામનો કરવો પડ્યો છે. ટૂર્નામેન્ટમાં પહેલેથી જ ઇજા સાથે રમી રહેલી તસ્નીમને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં છત્તીસગઢની બીજી ક્રમાંકિત આકાર્શી કશ્યપે 21-17, 21-14થી હાર આપી હતી.