વિજાપુરના બિલિયા ગામની ઘટના, યુવક અને યુવતીએ કેનેડામાં પ્રેમ લગ્ન કર્યા તો યુવતીના પરિવારજનોએ યુવકના માતા-પિતાને ફટકાર્યા, મામલો લાડોલ પોલીસમાં પહોંચ્યો
વિજાપુરના બિલિયા ગામ ખાતે એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પ્રેમ લગ્નને કારણે ગામમાં મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા. વાત જાણે એમ છે કે કેનેડામાં અભ્યાસ અર્થે યુવક અને યુવતી ત્રણ વર્ષ પહેલા ગયા હતા. જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું અને પરિવારના અણગમા વચ્ચે જ બંનેએ કેનેડામાં જ લગ્ન કરી લીધા હતા. જોકે યુવતીના માતા-પિતાને આ લગ્નનો સખત વિરોધ હતો જેનો બદલો તેઓએ યુવકના માતા-પિતાને માર મારીને લીધો છે. યુવકના પરિવાર પર યુવતીના પરિવારના 10થી 15 લોકોએ જીવલેણ હૂમલો કર્યો હતો.
યુવતીના પિતાનો આરોપ, યુવકે મારી દિકરીને કેનેડામાં મારી નાખી
હાલ સમગ્ર મામલો લાડોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે જ્યાં યુવતીના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકે મારી દિકરીને કેનેડામાં મારી નાખી છે. જાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગામની યુવતી પણ કેનેડામાં રહે છે અને લગ્ન બાદ જ્યાં સુખી જીવનની આશા રાખતા યુવક પર આભા ફાટી પડ્યું છે. કારણ કે સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને આ તરફ બંને પરિવારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
4 વાહનો ભરીને યુવતીના પરિવારજનોએ કર્યો હુમલો
4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં હથિયારો સાથે આવેલું લોકોનું ટોળું યુવકનાં માતા-પિતા જ્યા રહેતાં હતાં ત્યાં ઘરમાં ઘૂસી ગયું હતું અને હુમલાને અંજામ આપ્યો હતો. આ પહેલા પણ યુવકના પિતા ફોટા અને અગરબત્તી લઇને યુવકના ઘરે ગયા હતા અને દાવો કર્યો હતો કે તમારા દિકરાએ મારી દિકરીને મારી નાખી છે. આ તરફ ધાક ધમકીને જોતા યુવકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ તરફ યુવતીના પરિવારે બદલાની ભાવના સાથે થોડા દિવસોમાં જ હુમલો કરી દીધો હતો. આ લોકોએ રાત્રે ઘરમાં ભારે તોફાન મચાવ્યું હતું યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા તેમજ યુવકના પિતાને લોખંડની પાઈપ ફટકારી હતી.
પિતાનો દાવો યુવતીને મારી નખાઇ, જોકે યુવતી કેનેડામાં જીવતી
આ તરફ પિતાએ દાવો કર્યો હતો કે દિકરીને મારી નાખવામાં આવી છે પરંતુ પોલીસે જ્યારે તાત્કાલિક તપાસ કરતા યુવતી કેનેડામાં હેમખેમ હોવાનું સામે આવ્યું છે. આમ હવે પોલીસે યુવતીના પરિવારજનો સામે તપાસનો પ્રારંભ કર્યો છે.
લાડોલ પોલીસમાં 15 સામે ફરિયાદ
સમગ્ર મામલો હાલ તો લાડોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને જ્યાં ચિરાગભાઈ પટેલ, જશમિન પટેલ, આશાબેન પટેલ, નીલમબેન પટેલ, કપિલાબેન પટેલ, જિતેન્દ્રકુમાર પટેલ, પન્ના બેન પટેલ, પ્રદીપ પટેલ, દીપક કુમાર પટેલ, તૃપ્તિબેન પટેલ, રચિત કુમાર પટેલ, નિલેશભાઈ પટેલ, હંસાબેન પટેલ, નિર્મલ કુમાર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.