લીંબડી નેશનલ હાઇવે ઉપર આવેલા ભગવાન પરશુરામ ધામ લોકો માટે આસ્થાનું કેન્દ્ર, 20 ફૂટ ઉંચી ભગવાન પરશુરામની મૂર્તિ લોકોમાં આકર્ષણ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામએ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. બ્રાહ્મણ કૂળમાં જન્મેલા પરશુરામ ભગવાનનું દિવ્ય મંદિર લિંબડીથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલું છે. ફેબ્રુઆરી 2020ના રોજ પરશુરામધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

બ્રાહ્મણોનું પોતાનું કહી શકાય તેવું મંદિર બનાવવાની હતી નેમ
સુરેન્દ્રનગર લીંબડી બ્રાહ્મણ સમાજના આગેવાનો તથા કેસી દવે, વિરેન્દ્ર આચાર્યના વિચારકાર્યો થકી પરશુરામધામનું નિર્માણ પાંચ વર્ષ પહેલા હાથ ધરવામાં આવ્યું. માત્ર આટલું જ નહીં પરંતુ બ્રાહ્મણ સમાજનો લોકો શાંતિથી રહી શકે તે માટે શંકરાચાર્ય નગરનું પણ બાંધકામ મંદિરની પાસે કરવામાં આવ્યું. પરશુરામધામ આવનાર સમયમાં કોઈપણ જાતના વાડા કે પેટા સમાજના ભેદભાવ વગર ગુજરાતભરમાં વસતા બ્રહ્મબંધુઓને એકસૂત્રે બાંધવા માટેનું એક બળૂકું સ્થાનક ઊભું થયું છે તે વાતની પ્રતીતિ એના પરિસરમાં દાખલ થતાં જ જે સ્પંદનો અનુભવાય તેના પરથી થાય છે.

મંદિરની પાસે અન્નપૂર્ણા ભોજનાલયનું પણ નિર્માણ
વિકેન્ડ હોમની સાથે લીંબડી નેશનલ હાઇવે પર જ મંદિરની પાસે અન્નપૂર્ણા ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન પીરસવામાં આવે છે. નેશનલ હાઇવે પર આવેલું હોવાથી રાજકોટ આવતા જતા બ્રાહ્મણ બંધુ અચૂક મુલાકાત લે તેવી ટ્રસ્ટી અમિતભાઇ દવેએ અપીલ કરી હતી.

પરશુરામધામમાં હજુ ઘણાં નિર્માણકાર્યોની યોજના
મંદિરના ટ્રસ્ટી અમિતભાઇ દવેએ જણાવ્યું હતું કે આગામી સમયમાં બ્રાહ્મણો માટે આસ્થાનું કેન્દ્ર બને તથા રાજ્યના તથે વિદેશના બ્રાહ્મણ ભાઇઓ સુધી મંદિર પહોંચી શકે તે માટેની યોજનાઓ રાખવામાં આવી છે. મંદિર ખાતે હજુ હોલ તથા સોલર રૂફની યોજના છે.