રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો, 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો,
ભારતની સામાન્ય ચૂંટણી માટેની તારીખો જાહેર થઇ ગઇ છે અને સાત તબક્કામાં દેશભરમાં ચૂંટણી યોજાશે. 19 એપ્રિલથી 1 જૂન સુધીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે અને સાતમી મેના રોજ રાજ્યભરની 26 બેઠકો પર એક સાથે મતદાન યોજાશે. દેશમાં જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન હશે ત્યારે ગુજરાતમાં મતદાન આયોજિત કરાયું છે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કોંગ્રેસની ક્લિન સ્વીપ કરતા 26એ 26 બેઠક જીતી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 05/01/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે.
ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે. આજના દિવસ બાદ નામ કમી/સુધારાની જે અરજીઓ મળશે તેનો નિર્ણય લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 17,202 મતદાર મથકો આવેલા છે. રાજ્યના કુલ 29,568 મતદાન મથક સ્થળો પૈકી 23,252 મતદાન મથક સ્થળો ગ્રામ્ય વિસ્તારોમાં તથા 6,316 મતદાર મથક સ્થળો શહેરી વિસ્તારોમાં છે. રાજ્યમાં 110 મતદાન મથકો એવા છે, જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.