લિથિયમ એક ધાતુ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે થાય છે. ચીન અને ઓસ્ટ્રેલિયા વિશ્વભરમાં લિથિયમના મુખ્ય સપ્લાયર છે.
ભારતના ખાણ મંત્રાલયે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં લિથિયમ ભંડાર મળી આવ્યા છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ પહેલીવાર દિલ્હીથી 650 કિમી ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમ ભંડારની શોધ કરી છે.
ખાણ મંત્રાલયે માહિતી આપી હતી કે લિથિયમ અને ગોલ્ડ સહિત 51 મિનરલ બ્લોક રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યા છે. આ 51 મિનરલ બ્લોક્સમાંથી 5 બ્લોક સોના સાથે સંબંધિત છે. જમ્મુ કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટકના 11 રાજ્યોમાં ફેલાયેલા અન્ય બ્લોક્સ પોટાશ, મોલીબડેનમ, બેઝ મેટલ્સ વગેરે જેવી કોમોડિટીઝથી સંબંધિત છે. જીએસઆઈએ આ બ્લોક્સ ફિલ્ડ સીઝન 2018-19થી કરવામાં આવેલા કામોના આધારે તૈયાર કર્યા હતા.
આ ઉપરાંત, કોલસા મંત્રાલયને કુલ 7897 મિલિયન ટનના સંસાધન સાથે કોલસા અને લિગ્નાઈટના 17 અહેવાલો પણ સબમિટ કરવામાં આવ્યા હતા. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ ખનિજો પર 115 પ્રોજેક્ટ્સ અને ખાતર ખનિજો પર 16 પ્રોજેક્ટ્સ સ્થાપ્યા છે.
શા માટે લિથિયમ મહત્વપૂર્ણ ?
લિથિયમ એક ધાતુ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે થાય છે. મોદી સરકાર દેશમાં પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ સેક્ટર બંનેમાં ઈલેક્ટ્રીક વાહનો પર ફોકસ કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોને ઇલેક્ટ્રિક વાહનો પર વધુને વધુ નિર્ભર બનાવવાની યોજના છે. આ માટે લિથિયમનો ભંડાર હોવો ખૂબ જ જરૂરી છે.
હાલમાં, ચીન અને ઓસ્ટ્રેલિયા વિશ્વભરમાં લિથિયમના મુખ્ય સપ્લાયર છે. તેમના વિશાળ લિથિયમ ભંડારને લીધે, તેઓ જે ઇચ્છે છે તે પણ કરે છે. હવે ભારતમાં પણ લિથિયમના ભંડારની શોધ થયા બાદ તેમના સામ્રાજ્યને અસર થશે તે નિશ્ચિત છે.
જીએસઆઈની સ્થાપના 1851માં થઈ હતી
જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ની સ્થાપના 1851માં રેલવે માટે કોલસાના ભંડાર શોધવા માટે કરવામાં આવી હતી. ત્યારથી GSI દેશના વિવિધ ક્ષેત્રોમાં જરૂરી ભૂ-વૈજ્ઞાનિક માહિતીના ભંડાર તરીકે જ વિકસ્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ભૂ-વૈજ્ઞાનિક સંસ્થાનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે.