ઓસ્ટ્રેલિયા-આર્જેન્ટિના ફૂટબોલ ફ્રેન્ડલી પહેલાની ઘટના, પાસપોર્ટ ઇશ્યુને લઇ મેસ્સીને ચીનમાં કડવો અનુભવ

આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીને ચીનની પોલીસે બેઈજિંગના એરપોર્ટ પર બે કલાક માટે રોક્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેસ્સી બેઇજિંગના વર્કર્સ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ માટે ચીન પહોંચી ગયો છે. આ ઘટના 10 જૂનની છે.

વાસ્તવમાં મેસ્સી પાસે આર્જેન્ટિના અને સ્પેનિશ બંને દેશોના પાસપોર્ટ છે. મેસ્સીએ આર્જેન્ટિનાના બદલે ચીનમાં અધિકારીઓને સ્પેનિશ પાસપોર્ટ બતાવ્યો હતો. ચીનમાં સ્પેનિશ પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પ્રવેશ નથી. જેના કારણે ચીનની પોલીસે તેમને રોક્યા હતા. જો કે, તેઓ વિઝા વિના તાઇવાનમાં પ્રવેશ કરી શકે છે. મેસ્સીના કહેવા પ્રમાણે, તેણે વિચાર્યું કે તાઈવાન ચીનનો ભાગ છે, તેથી તેણે વિઝા માટે અરજી કરી નથી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

ચાઈનીઝ ચાહકો રાહ જોઈ રહ્યા હતા
મેસ્સીની રાહ જોતા ચીનના ચાહકો એરપોર્ટની બહાર રાહ જોતા રહ્યા. લગભગ 2 કલાક બાદ મામલો ઉકેલાયા બાદ મેસ્સી એરપોર્ટની બહાર આવ્યો હતો. આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા 15 જૂન 2023 (ગુરુવાર) ના રોજ વર્કર્સમાં સામસામે આવશે.

મેસીએ ઇન્ટર મિયામી ટીમ સાથે કરાર કર્યો
લિયોનેલ મેસ્સીએ તાજેતરમાં અમેરિકાની ફૂટબોલ લીગ મેજર લીગ સોકરની ટીમ ઈન્ટર મિયામી સાથે કરાર કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ મેસ્સીએ કરી છે. મેસ્સીનો ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન સાથેનો કરાર 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. મેસીએ પીએસજી (પેરિસ સેન્ટ-જર્મન) માટે તેની છેલ્લી મેચ લીગ 1માં ક્લેર્મોન્ટ ફૂટબોલ ક્લબ સામે રમી હતી.