લખીમપુર હિંસા: ચોથા ખેડૂતના ત્રણ દિવસ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
ચોથા ખેડૂત ગુરવિંદર સિંહનું ફરીથી થયુ હતુ પોસ્ટમોર્ટમ
ખેડૂત નેતા રાકેશ ટીકૈતની મધ્યસ્થી પછી અંતિમ સંસ્કાર માટે પરિવાર તૈયાર થયો
લખનૌ-
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી હિંસામાં (Lakhimpur Kheri Violence)મૃત્યુ પામેલા ચોથા ખેડૂત ગુરવિંદર સિંહના અંતિમ સંસ્કાર આજે વહેલી સવારે કરવામાં આવ્યા.
રવિવારે થયેલી હિંસામાં ગુરવિંદર સિંહનું મોત થયું હતું અને આ ઘટનાના ત્રણ દિવસ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટીકૈત ના સમજાવ્યા બાદ (Rakesh Tikait), મોડી રાત્રે ફરી ગુરવિંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.
મંગળવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) આવ્યા બાદ પરિવારના સભ્યોએ રિપોર્ટ ખોટો હોવાનું જણાવી ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. અંતિમવિધિ રોકવામાં આવી હતી. આ પછી ગુરવિંદરના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. 3 ઓક્ટોબર, રવિવારે લખીમપુર ખેરીના તિકોનિયામાં થયેલી હિંસામાં ચાર ખેડૂતોના મોત થયા હતા. પ્રશાસન તરફથી કાર્યવાહીની ખાતરી આપવામાં આવ્યા પછી, ખેડૂતોના પરિવારના સભ્યો તેમનું પોસ્ટમોર્ટમ કરવા માટે સંમત થયા. આ ચારેય ખેડૂતોનું પોસ્ટમોર્ટમ સોમવારે કરવામાં આવ્યું હતું. મંગળવારે તે ચારમાંથી લવપ્રીત સિંહ, નક્ષત્ર સિંહ અને દલજીત સિંહના અંતિમ સંસ્કાર મંગળવારે થયા હતા. પરંતુ ગુરવિંદર સિંહ (22) ના અંતિમ સંસ્કાર રોકી દેવામાં આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગુરવિંદર સિંહના મૃત્યુનું કારણ આઘાત અને હેમરેજ આપવામાં આવ્યું હતું. જોકે, પરિવારના સભ્યોએ આ રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. સંબંધીઓનો એવો આરોપ હતો કે ગોળી વાગવાથી ગુરવિંદરનું મોત થયું હતું. ગુરવિંદર મોહર્નિયા ગામનો રહેવાસી હતો.