પોલાર્ડે ભાવુક થઈને પોસ્ટમાં લખ્યું, મુંબઇ ઇન્ડિયન્સની વિરુદ્ધ ક્યારેય ન રમી શકું, હવે બેટિંગ કોચ તરીકે રહેશે MIની સાથે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તાજેતરમાં એક અહેવાલ આવ્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનની હરાજી પહેલા પોલાર્ડને રિલીઝ કરી દીધો છે. 13 વર્ષ સુધી મુંબઈ તરફથી રમ્યા બાદ પોલાર્ડને મુંબઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હોય તેવું પહેલીવાર થવા જઇ રહ્યું હતું. જોકે હવે તેણે IPLમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. પોલાર્ડે નિવૃત્તિ માટે એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું છે કે તે હજુ થોડા વર્ષ રમવા માંગતો હતો પરંતુ મુંબઈ સાથે વાત કર્યા બાદ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ માટે નહીં તો કોઈના માટે નહીં – પોલાર્ડ
પોલાર્ડે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મુંબઈ ઇન્ડિયન્સને બદલાવની જરૂર છે. જો હું અત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં રમી શકું તો હું મારી જાતને મુંબઈ સામે પણ રમતા જોઈ શકતો નથી. હું કાયમ મુંબઈનો જ રહીશ.”
પોલાર્ડની આઈપીએલ કારકિર્દી શાનદાર રહી હતી
પોલાર્ડે તેની આખી કારકિર્દી મુંબઈ સાથે વિતાવી અને 171 ઇનિંગ્સમાં 3412 રન બનાવ્યા. આઈપીએલમાં પોલાર્ડની બેટિંગ એવરેજ 28.67 હતી, જ્યારે તેની કારકિર્દીનો સ્ટ્રાઈક-રેટ 147.32 હતો. 16 અડધી સદી ફટકારનાર પોલાર્ડને લીગના સર્વશ્રેષ્ઠ ફિનિશરોમાં ગણવામાં આવે છે. પોલાર્ડ, જે એક દાયકાથી વધુ સમયથી મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ નામ હતું, તેની ગત સિઝન નિરાશાજનક રહી હતી. તેણે ગત સિઝનમાં 11 મેચોમાં 14.40ની નબળી સરેરાશ સાથે માત્ર 144 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 107.46 હતો.
હવે બેટિંગ કોચની ભૂમિકામાં નજરે પડશે
35 વર્ષીય પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 ટાઈટલ જીત્યા છે. તે સૌથી વધુ IPL ટ્રોફી જીતનાર ખેલાડી છે. પોલાર્ડે 7 મહિના પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ, તેણે આઈપીએલ રમવાનું ચાલુ રાખવાનું કહ્યું હતું. પોલાર્ડ IPLમાં કોઈ ટીમ સાથે સૌથી લાંબો સમય સુધી સહયોગ કરવાનો રેકોર્ડ ધરાવે છે. તે 2010માં ટીમ સાથે જોડાયો હતો. જો કે, તેઓ હજુ પણ ફ્રેન્ચાઇઝીથી અલગ થયા નથી. તે હવે ટીમ સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો છે.