અચાનક ધસી આવીને ખાલિસ્તાની સમર્થકોએ કોનસ્યુલેટને બંધ કરવાની ફરજ પાડી
બ્રિસબેન: ખાલિસ્તાની સમર્થકોએ બુધવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાની ફરજ પાડી હતી. ક્વીન્સલેન્ડ પોલીસે કહ્યું કે તે ‘અનધિકૃત’ ટોળું હતું. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભીડે હિંદુઓ વિરુદ્ધ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ગયા મહિને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતીય કોન્સ્યુલેટ પર પણ હુમલો કર્યો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયાને ખાલિસ્તાની અલગતાવાદીઓ પર લગામ લગાવવા કહ્યું હતું, જેઓ વિદેશમાં સતત હિન્દુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. તેના થોડા દિવસો બાદ ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો થયો હતો. ગયા મહિને, 21 ફેબ્રુઆરીની રાત્રે, ખાલિસ્તાની સમર્થકોએ બ્રિસ્બેનના તારિંગામાં સ્વાન રોડ સ્થિત કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અર્ચના સિંહને બીજા દિવસે સ્થળ પરથી ખાલિસ્તાની ઝંડો મળ્યો હતો. તેમણે તરત જ ક્વીન્સલેન્ડ પોલીસને આની જાણ કરી.
ખાલિસ્તાનીઓના નિશાના પર ભારતીય સંસ્થાઓ
અર્ચના સિંહે કહ્યું, ‘અમને પોલીસ અને અધિકારીઓ પર પૂરો વિશ્વાસ છે.’ અન્ય એક પત્રકારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે અત્યાર સુધી ભારતીય ઓસ્ટ્રેલિયનો પર હુમલા થતા હતા. તેમણે કહ્યું, ‘પરંતુ હવે તેઓ (ખાલિસ્તાની સમર્થકો) ભારત સરકારની સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. બ્રિસબેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો એ ભારત સરકાર પર સીધો હુમલો છે.
મંદિરો પર પણ હુમલા થઈ રહ્યા છે
થોડા દિવસો પહેલા ખાલિસ્તાનીઓએ બ્રિસબેનમાં એક હિન્દુ મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. માર્ચની શરૂઆતમાં, ખાલિસ્તાન સમર્થકોએ શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. ‘હિન્દુ હ્યુમન રાઈટ્સ’ના નિર્દેશક સારાહ ગેટ્સે કહ્યું હતું કે આ સ્પષ્ટપણે ‘ઓસ્ટ્રેલિયન હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ’ છે. હુમલા બાદ હિંદુ સમુદાયના સભ્યો દ્વારા મંદિરની દિવાલો પરથી હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર દૂર કરવામાં આવ્યા હતા. ગેટ્સે તેનો એક ફોટો ટ્વીટ કરીને લખ્યું, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’.