દિલ્હીની NIA કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી, NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની કરી હતી માંગ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ટેરર ફંડિંગ કેસમાં પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને સજાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીની NIA કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જણાવી દઈએ કે NIAએ યાસીન મલિક માટે ફાંસીની સજાની માંગ કરી હતી. ગુરુવારે કોર્ટે યાસીનને ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.
આ પહેલા યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સજા પર કોર્ટમાં ચર્ચા થઈ હતી. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સજા સંભળાવતા પહેલા પટિયાલા કોર્ટ સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. CAPF, સ્પેશિયલ સેલના જવાનોને કોર્ટ રૂમની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક લોકો તિરંગા સાથે કોર્ટની બહાર પહોંચી ગયા છે. તે જ સમયે, શ્રીનગર નજીક મૈસુમામાં યાસીન મલિકના ઘર પાસે મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અહીં પથ્થરમારા બાદ સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. યાસીન મલિકનું ઘર શ્રીનગર પાસે મૈસુમામાં છે. મલિકના ઘરની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.