દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે. 
કોવિડ-19ના કેસમાં ફરી ચિંતા જનક ઉછાળો આવ્યો છે અને સૌ પ્રથમ કેરળમાં કોવિડ JN.1નું નવું પેટા વેરિઅન્ટ મળી આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ બે કેસ નોંધાતા રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.


વિગતો મુજબ ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારની બે સગી બહેનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જે
કેરલામાં મળેલો નવો વેરિયન્ટ હોવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
આ બન્ને બહેનો દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને ગાંધીનગરમાં આવી હોવાથી તંત્ર ચોંકી ઉઠ્યું છે અને ગુજરાતમાં કોરોના વધુ ફેલાતો અટકાવવા આ બન્ને બહેનોના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરાઈ છે. બંને બહેનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.
ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને બહેનોના સેમ્પલ લઈ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી આપ્યા છે.

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહયા છે અને કેરળમાં કોવિડ JN.1નું નવું પેટા વેરિઅન્ટ મળી આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા પ્રસરી છે.
કેરળમાં તિરુવનન્તપુરમની 79 વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિયન્ટ જેએન-૧ મળી આવ્યો હતો. તમિલનાડુના તિરુચિરાપલ્લીની આ રહેવાસી સિંગાપોરનો ટ્રાવેલ હિસ્ટરી ધરાવે છે.
જ્યારે કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ બહાર આવ્યું ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપી.
બીજી તરફ, કર્ણાટક સરકારે તાવ, કફ અને ઉધરસથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.