BCCIએ પહેલા કહ્યું ફિટ, હવે ટીમ સાથે ન પહોંચ્યો ગુવાહાટી
ભારતીય ટીમ 10 જાન્યુઆરી (મંગળવાર) થી શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલા જસપ્રીત બુમરાહના રૂપમાં ટીમને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. વનડે સીરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી ગઈ છે, પરંતુ બુમરાહ ટીમ સાથે ગયો નથી.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, BCCIના એક સૂત્રએ જણાવ્યું કે બોર્ડ તેને ઉતાવળ કરવા માંગતું નથી. આ પહેલા ખુદ બીસીસીઆઈએ માહિતી આપી હતી કે બુમરાહને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આગામી માસ્ટરકાર્ડ 3 મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે.” આ વાત BCCI તરફ 3જી જાન્યુઆરીની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવી હતી.
બુમરાહ લાંબા સમયથી ટીમમાંથી છે બહાર
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ભારતીય ટીમથી દૂર છે. આ કારણે તે ગયા વર્ષે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ પણ ચૂકી ગયો હતો. તેની પ્રેસ રિલીઝમાં તેની ફિટનેસનું વર્ણન કરતાં, BCCIએ કહ્યું હતું કે, “ફાસ્ટ બોલર રિહેબની પ્રક્રિયામાંથી પસાર થયો છે અને નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં જ ભારતની ODI ટીમ સાથે જોડાશે.”