ભારતીય વિદેશ પ્રધાને કહ્યું, અમેરિકા કોને મૂર્ખ બનાવી રહ્યું છે, બધા જાણે છે કે પાકિસ્તાન પૈસા ક્યાં વાપરશે ?
અમેરિકાએ F-16ના નામે પાકિસ્તાનને $450 મિલિયનનું પેકેજ આપવા મુદ્દે ભારત લાલઘુમ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ સંબંધો અમેરિકાના હિતમાં નથી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે આ સંબંધો બંને દેશોમાંથી કોઈને કોઈ ફાયદો નથી.
F-16 વિમાનોના કાફલા માટે પાકિસ્તાનને $450 મિલિયનના જાળવણી પેકેજની મંજૂરી પર સવાલ ઉઠાવતા વિદેશ મંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે અમેરિકા-પાકિસ્તાન સંબંધ એવો છે કે જેણે ન તો પાકિસ્તાનને સારી રીતે સેવા આપી છે અને ન તો અમેરિકન હિતોને. અમેરિકાએ વિચારવું જોઈએ કે આ સંબંધના ફાયદા શું છે અને તેનાથી તેને શું ફાયદો થાય છે?
સંબંધોથી અમેરિકા કે પાકિસ્તાનને ફાયદો નથી
જયશંકરે કહ્યું કે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોથી ન તો પાકિસ્તાનને ફાયદો થયો છે અને ન તો અમેરિકાને. હવે અમેરિકાએ એ વિચારવું જોઈએ કે પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખવાથી તેને શું મળે છે. આવનારા સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા મજબૂત અને ફાયદાકારક બની શકે છે તેનો વિચાર કરવો જોઈએ.
કોઈને મૂર્ખ બનાવી શકતા નથી
અમેરિકાએ દલીલ કરી હતી કે આતંકવાદ સામે લડવા માટે F-16ની જાળવણી માટે પેકેજને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાની દલીલનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, બધા જાણે છે કે એફ-16નો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ થાય છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, તમે આવી વાતો કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી.