ઓસ્ટ્રેલિયાએ હવેથી ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરવાની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરી દીધી છે.
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં રોકાણ માટે કાયમી વિઝા આપવામાં આવતા હતા.
સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટર વિઝા (એસઆઇવી) નામની આ સ્કીમ શ્રીમંત વિદેશીઓને આકર્ષવા માટે બનાવવામાં આવી હતી.

2012માં શરૂ થયેલી આ સ્કીમમાં વિદેશીઓને ઓસ્ટ્રેલિયામાં 50 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે 27 કરોડ રૂપિયાના રોકાણ પર કાયમી વિઝાની સુવિધા આપવામાં આવી હતી.

તાજેતરમાં આ યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારે કહ્યું છે કે આ સમીક્ષામાં બહાર આવ્યું છે કે આર્થિક વિકાસને વેગ આપવા માટે રચાયેલ આ યોજનાથી અપેક્ષિત લાભો મળ્યા નથી અને તે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું આશ્રયસ્થાન બની ગયું છે.
સમીક્ષામાં બહાર આવ્યું છે કે આ યોજના ‘ભ્રષ્ટ લોકો’ માટે તેમના કાળા નાણાંનું રોકાણ કરવાનું માધ્યમ બની ગઈ છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ યોજના હેઠળ વિઝા આપવામાં આવેલા 85 ટકા લોકો ચીનના હતા.

ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેયર ઓ’નીલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “ઘણા વર્ષોથી એવું દેખાઈ રહ્યું છે કે આ પ્રકારના વિઝાથી આપણા દેશ અને અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો થયો નથી.”

હવે ઓસ્ટ્રેલિયા આવા રોકાણ વિઝાને બદલે કૌશલ્ય આધારિત વિઝા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેથી આવા કુશળ કામદારો અને વ્યાવસાયિકોને દેશમાં લાવી શકાય જેઓ “દેશના વિકાસમાં યોગદાન આપી શકે.”

ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરવાના ઓસ્ટ્રેલિયાના આ પગલાને ભ્રષ્ટાચાર સામે લડતી અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આવકાર્યું છે.
ઘણા લાંબા સમયથી, ભ્રષ્ટ રાજકારણીઓ અને ગુનેગારોએ ઑસ્ટ્રેલિયામાં તેમની ગેરકાયદેસર સંપત્તિ છુપાવવા માટે ગોલ્ડન વિઝા સ્કીમનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવતા આ પગલું ભરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની ગોલ્ડન વિઝા સ્કીમની સમીક્ષા આ પહેલીવાર નથી થઈ. 2016માં પણ તત્કાલીન સરકારે આવી જ સમીક્ષા હાથ ધરી હતી અને તે તપાસમાં પણ આ યોજના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે આ યોજનામાં “મની લોન્ડરિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ”નું સાધન બનવાની સંભાવના છે.

2022 માં, ધ ઓસ્ટ્રેલિયન અખબારે અહેવાલ આપ્યો હતો કે ભૂતપૂર્વ કંબોડિયન લશ્કરી કમાન્ડર અને વડા પ્રધાન હુન સેનની સરકારના સભ્યોએ પણ આ યોજનાનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં ઘણા દેશોએ આવી યોજનાઓ બંધ કરી દીધી છે.
બ્રિટને પણ 2022 માં વિઝા સ્કીમ થકી રશિયામાંથી ગેરકાયદેસર નાણાં મામલે સ્કીમ બંધ કરી હતી.
માલ્ટાએ પણ તેની ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરી કારણ કે તપાસમાં જાણવા મળ્યું હતું કે મોટી સંખ્યામાં ધનિક બિન-યુરોપિયનોને નાગરિકતા આપવામાં આવી હતી,આનાથી ભ્રષ્ટાચાર અને કરચોરીના મામલા સામે આવતા યોજના બન્ધ કરી હતી.
હવે ઓસ્ટ્રેલિયામાં પણ આ યોજના બંધ કરવામાં આવી છે.