ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવવા ઉપરાંત નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવાયા
ગુજરાતમાં કારમા પરાજય બાદ પાર્ટીએ કર્યાં સંગઠનમાં મોટા ફેરફાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યાં છે. પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે.
- અલ્પેશ કથિરિયાને સુરત ઝોન અધ્યક્ષ
- MLA ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોન અધ્યક્ષ
- જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન તથા કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના અલગ અલગ ઝોનના સ્ટેટ પ્રેસિડન્ટ પણ જાહેર કર્યાં છે જે અનુસાર અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના, ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોન, ડો.રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોન, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન તથા કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.
વિધાનસભા ચૂંટણીમાં આપનો દેખાવ
ભાજપે જીતેલી 156 બેઠકોમાંથી 102 બેઠકો પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યા છે. આ ઉપરાંત આપ પાર્ટીએ ડેડિયાપાડની બેઠક પર 50% થી વધુ વોટશેર મેળવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોએ જીત મેળવી હતી. આપના ભૂપેન્દ્ર ભાયાણી વિસાવદરથી અને હેમંત ખવા જામ જોધપુરથી અને ડેડીયાપાડાથી ચૈત્ર વસાવા, ગારીયાધારથી સુધીર વાઘાણી અને બોટાદથી ઉમેશ મકવાણાએ જીત મેળવી હતી.