ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ ઉપર હુમલો કરતા છેલ્લા 24 કલાકમાં લગભગ 200 લોકોના મોત થયા છે.

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હમાસના ટાર્ગેટો પર તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી હતી અને શુક્રવારે રાત્રે ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ પર ઇઝરાયલી ટેન્ક ફાયરિંગ અને હવાઈ બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં 24 કલાકમાં લગભગ 200 લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલી સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસિરાત કેમ્પ પર પણ હવાઈ હુમલો કર્યો હતો.

ઇઝરાયેલી દળોએ ડિસેમ્બરની શરૂઆતમાં ખાન યુનિસના કેટલાક ભાગો પર કબજો કરી લીધો હતો.

સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે જણાવ્યું હતું કે સૈન્ય હમાસના કમાન્ડ સેન્ટરો અને હથિયારોના ડેપોને પણ નિશાન બનાવવાનું ચાલુ રાખે છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ગાઝા શહેરમાં ગાઝાના હમાસ નેતા યાહ્યા સિનવરના ઘરોમાંથી એકના ભોંયરામાં એક ટનલ અને સમગ્ર સંકુલનો નાશ કર્યો હતો.

82 દિવસમાં 21 હજારથી વધુ લોકોના મોત થયા છે
ઉલ્લેખનીય છે કે અઢી મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગાઝાના 2.3 મિલિયન લોકો સુરક્ષિત આશ્રયસ્થાનની શોધમાં ઘર છોડીને ભાગી ગયા છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 187 પેલેસ્ટાઈનીઓના મોતની પુષ્ટિ થઈ છે. આ સાથે, 7 ઓક્ટોબરથી મૃત્યુઆંક 21,507 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે ગાઝાની કુલ વસ્તીના લગભગ એક ટકા લોકો નાશ પામ્યા છે. ખંડેરમાં વધુ હજારો મૃતદેહો દટાયા હોવાની આશંકા છે.