પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાને એરસ્ટ્રાઈક કરતાં ભારે સનસનાટી મચી ગઈ છે.
ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠન ‘જૈશ-અલ-અદલ’ના અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હોવાની માહિતી ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA દ્વારા આપવામાં આવી છે.
જોકે,થોડા સમય બાદ ન્યૂઝ એજન્સીએ આ સમાચાર પોતાના પોર્ટલ પરથી હટાવી દીધા હતા.
જોકે,યોગાનુયોગ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની સોમ-મંગળવારે ઈરાનમાં હાજરી વચ્ચે ઈરાને પાકિસ્તાન પર હુમલો કરતા આ મુદ્દો પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયામાં ઈરાનની આ કાર્યવાહી એક તરફી હોવાનું જણાવ્યુ છે અને કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીતના ઘણા માધ્યમો છે,અમે હંમેશા કહ્યું છે કે આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને તેની સાથે મળીને સામનો કરવો પડશે. પરંતુ, આવી એકતરફી કાર્યવાહી ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને બગાડશે.પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, ઈરાનના એરસ્ટ્રાઈકથી બે બાળકોના મોત થયા છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ પહેલાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ એક આધિકારિક નિવેદન આપતા કહ્યું હતું કે, “આ અમારા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન છે.” સાથે ઈરાનને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે.
ઈરાની મીડિયા અનુસાર, પાકિસ્તાનનો જે વિસ્તાર જ્યાં હુમલો થયો છે તેને ગ્રીન માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે જોકે, પાકિસ્તાની સેના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
મહત્વનું છે કે ઈરાનમાં શિયા સમુદાયની બહુમતી છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની સમુદાયના છે,પરિણામે શિયા-સુન્ની વચ્ચેનો વજગ્રાહ સામે આવી રહયો છે.
પાકિસ્તાનના સુન્ની સંગઠનો હંમેશા ઈરાનનો વિરોધ કરતા આવી રહયા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું હોવાના બનાવો પણ બનતા રહે છે ત્યારે ઈરાન સરકાર દ્વારા અગાઉ પણ પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપવામાં આવી ચૂકી છે ત્યારે હવે ઇરાને આતંકીઓના ઠેકાણા ઉપર હુમલો કરતા આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.