સનરાઈઝર્સ હૈદરાબાદે  શુક્રવારે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

શાહબાઝ અહેમદના નેતૃત્વમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હૈદરાબાદે 24 મે (શુક્રવાર) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યુ હતું.

આ મેચમાં રાજસ્થાનને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટે 139 રન જ બનાવી શકી હતી, હૈદરાબાદની ટીમ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.
આ પહેલા તે 2016 અને 2018 સીઝનની ફાઇનલમાં પણ પહોંચી હતી.

હૈદરાબાદ 2016ની સિઝનમાં પણ ચેમ્પિયન રહી હતી.
હવે સનરાઈઝર્સ હૈદરાબાદ 26મી મે (રવિવાર)ના રોજ ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે.
મહત્વનું છે કે KKR એ ક્વોલિફાયર-1 મેચમાં હૈદરાબાદને હરાવ્યું હતું અને ફરી એકવાર બંને ટીમો સામસામે ટકરાશે.

રાજસ્થાને એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને હરાવીને ફાઇનલમાં પહોંચવા માટેનો પહેલો અવરોધ પાર કર્યો હતો, પરંતુ ટીમ ખિતાબની મેચમાં પ્રવેશતા પહેલા છેલ્લી અડચણ પાર કરી શકી ન હતી અને તેની યાત્રા અહીં જ સમાપ્ત થઈ ગઈ હતી. 

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હૈદરાબાદે ખરાબ શરૂઆતથી બહાર નીકળીને હેનરિક ક્લાસેનના 34 બોલમાં 50 રનની અર્ધ સદીની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 175 રન બનાવ્યા હતા.

જવાબમાં યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તેના આઉટ થયા બાદ ટીમની લય ખોરવાઈ ગઈ હતી.

જો કે ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારીને ટીમને મેચમાં જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી રન રેટ એટલો ઊંચો હતો કે જુરેલના પ્રયાસો પણ કામમાં આવી શક્યા ન હતા.

રાજસ્થાને 20 ઓવરમાં સાત વિકેટે 139 રન બનાવ્યા હતા.
હૈદરાબાદ માટે પ્રભાવશાળી ખેલાડી તરીકે આવેલા સ્પિનર ​​શાહબાઝ અહેમદે શાનદાર બોલિંગ કરી હતી.
શાહબાઝે ત્રણ વિકેટ ઝડપીને રાજસ્થાનનો દાવ ખોરવી નાખ્યો હતો.