મિસીસૌગામાં ઓડીની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત, મેવિસ રોડ પર હાઇવે 401 પર સફેદ ઓડીએ ટક્કર મારી
કેનેડામાં વધુ એક ભારતીય વ્યક્તિનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. થોડા દિવસે પહેલા સ્ટુડન્ટ વિઝા પર રહેલા હર્ષ વીનસભાઇ પટેલનું મોત થયું હતું અને હવે 29 વર્ષીય કુનાલ મહેતાનું કાર અકસ્માતમાં મોત થયું છે. 29 વર્ષીય કુનાલ મહેતા, જે 2019 માં કામ કરવા માટે કેનેડા આવ્યો હતો, તેનું મિસીસૌગામાં ઓડીની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ગમખ્વાર 22 એપ્રિલ શનિવારે થયો હતો.
અકસ્માત બાદ ઓડીનો ડ્રાઇવર ફરાર
પોલીસે જણાવ્યું હતું કે મિસીસૌગામાં ઉબેર ડ્રાઇવર કુણાલ મહેતાનું મેવિસ રોડ પર હાઇવે 401 પર સફેદ ઓડીએ ટક્કર મારી હતી અને અકસ્માત એટલો ગોઝારો હતો કે કુનાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ ઓડીનો ડ્રાઇવર અકસ્માત બાદ ફરાર છે. સફેદ ઓડી S5નો શંકાસ્પદ ડ્રાઈવર રોકાયો ન હતો અને તે ઘટનાસ્થળેથી ભાગતો જોવા મળ્યો હતો, ઓન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ (OPP) એ આ બાબતે ટ્વિટ કર્યું હતું.
કુનાલ કેમ્બ્રિજ ખાતે રહેતો હતો. કુનાલ મહેતાના મિત્ર દેવેન્દ્ર સિંહે સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે, “ઓપીપીને આ સમાચાર આપતા જોઈને અમે બધા ચોંકી ગયા. સિંહે કહ્યું: જ્યારે મેં તેમની સાથે છેલ્લી વાત કરી ત્યારે લગભગ ટોરોન્ટો સમય પ્રમાણે 11.30 વાગ્યા હતા. ઈદને કારણે ટ્રાફિક ભારે હતો. સિંહે કહ્યું કે, અમને સાક્ષીઓ દ્વારા જાણવા મળ્યું છે કે, ઓડીમાં સવાર વ્યક્તિ બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, તે વધારે ગતિથી ગાડી ચલાવી રહ્યો હતો.
અધિકારીઓએ અમને જણાવ્યું હતું કે મામલો તપાસ હેઠળ છે અને વધુ ખુલાસો કરી શકતા નથી. તેમણે કહ્યું કે કેનેડામાં કુનાલ મહેતાના કોઈ સંબંધી નથી અને સિંઘ અને થોડા મિત્રો તેમનો એકમાત્ર આધાર કેનેડામાં હતા. સિંઘે મહેતાના મૃતદેહને ફરીદાબાદમાં તેમના માતા-પિતાને ઘરે પરત મોકલવામાં મદદ કરવા માટે ભંડોળ ઊભું કર્યું છે.