અમેરિકાના જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં, એક ડ્રગ એડિક્ટે 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીના માથા પર લગભગ હથોડીના 50 ઘા મારી કરપીણ હત્યા કરી હતી.

એટલાન્ટામાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની સખત નિંદા કરી છે.
આ હૃદયદ્રાવક ઘટના કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી, જેમાં હુમલાખોર જુલિયન ફોકનર ભારતીય MBA વિદ્યાર્થી વિવેક સૈનીના માથા ઉપર હથોડી વડે ક્રૂરતાપૂર્વક ઘા કરતો જોવા મળે છે.

ભારતીય દૂતાવાસે સોમવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની ભયાનક, ક્રૂર અને જઘન્ય હત્યાની ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ અને આ હુમલાની સખત નિંદા કરીએ છીએ.
અમેરિકન અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલે તપાસ કરી રહી છે.

દૂતાવાસે ઘટના બાદ તરત જ સૈનીના પરિવારનો સંપર્ક કર્યો હતો અને મૃતદેહને ભારત મોકલવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

રવિવારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈની એ સ્ટોરમાં પાર્ટ ટાઈમ ક્લાર્ક તરીકે કામ કરતો હતો જ્યાં ફોકનરે આશ્રય લીધો હતો.

અહેવાલ મુજબ, સૈનીએ ફોકનરને ઠંડીથી બચાવવા માટે તેને ચિપ્સ, કોક, પાણી અને એક જેકેટ આપીને મદદ કરી હતી, પરંતુ બાદમાં સલામતીની ચિંતાઓને કારણે તેણે ફોકનરને ત્યાંથી ચાલ્યા જવા વિનંતી કરી હતી. સૈનીએ ફોકનરને કહ્યું કે જો તે ત્યાંથી નહીં નીકળે તો તે પોલીસની મદદ લેશે.
સૈની 16 જાન્યુઆરીએ તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફોકનરે તેના પર હુમલો કર્યો હતો.

ઘટનાસ્થળે, પોલીસને ફોકનર સૈનીના મૃતદેહ પર ઊભો જોવા મળ્યો હતો. B.Tech પૂર્ણ કર્યા બાદ બે વર્ષ પહેલા અમેરિકા આવેલા સૈનીએ તાજેતરમાં જ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આ ક્રૂર ઘટના બાદ હરિયાણામાં રહેતા સૈનીનો પરિવાર શોકમાં ગરકાવ છે. તેના પિતા ગુરજીત સિંહ અને માતા લલિતા સૈની આ ઘટના વિશે કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.