This news may contain content that is not suitable for all readers, and viewer discretion is advised

દલાસના એક મોટેલમાં બનેલી ઘટનાથી ખળભળાટ; વોશિંગ મશીન પરના ઝઘડામાં માથું ધડથી અલગ કરાયું, હત્યારાને પકડી પાડવામાં આવ્યો, ભારતીય કોન્સ્યુલેટે દુ:ખ વ્યક્ત કર્યું

ટેક્સાસ: અમેરિકાના ડલાસ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં વોશિંગ મશીનના સામાન્ય ઝઘડાને કારણે એક ભારતીય વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આરોપીએ ગુસ્સામાં આવીને પીડિતનું માથું ધડથી અલગ કરી દીધું હતું. મૃતકનું નામ ચંદ્રા નાગામલ્લૈયા હતું અને તેઓ કર્ણાટકના વતની હતા.

આ ઘટના બુધવારે બની હતી જ્યારે 50 વર્ષીય નાગામલ્લૈયાએ મોટેલમાં કામ કરતા કર્મચારી યોર્દનિસ કોબોસ-માર્ટિનેઝ (37) ને તૂટેલું વોશિંગ મશીન વાપરવાની ના પાડી હતી. આ દરમિયાન, નાગામલ્લૈયાએ પોતાની સૂચનાઓ સીધી રીતે માર્ટિનેઝને કહેવાને બદલે અન્ય એક કર્મચારીને અનુવાદ કરવાનું કહ્યું હતું, જેનાથી માર્ટિનેઝ ગુસ્સે ભરાયો હતો.

આ અપમાનજનક લાગતા, આરોપીએ તરત જ એક માચેટ (મોટું હથિયાર) લીધું અને નાગામલ્લૈયા પર ઘણી વાર હુમલો કર્યો. નાગામલ્લૈયાએ ભાગીને પોતાની ઓફિસમાં જવાનો પ્રયાસ કર્યો, પરંતુ માર્ટિનેઝે તેમનો પીછો કર્યો હતો. આ દૃશ્ય જોતા નાગામલ્લૈયાની પત્ની અને 18 વર્ષના પુત્રએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેમને પણ ધક્કો મારીને દૂર કરી દીધા હતા. ત્યારબાદ, આરોપીએ નાગામલ્લૈયાનું માથું ધડથી અલગ કરી દીધું અને તેમના માથાને લાત પણ મારી હતી.

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં માર્ટિનેઝ કપાયેલું માથું લઈને કચરાપેટી તરફ જતો જોવા મળે છે. તેને ઘટનાસ્થળ પરથી જ, લોહીથી લથપથ અને હાથમાં હથિયાર સાથે ધરપકડ કરવામાં આવ્યો હતો. પોલીસે તેના પર કેપિટલ મર્ડરનો આરોપ લગાવ્યો છે.

આ દુ:ખદ ઘટના બાદ હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટે નિવેદન બહાર પાડ્યું છે. કોન્સ્યુલેટે નાગામલ્લૈયાના ‘દુ:ખદ’ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમની કાર્યસ્થળે ‘ઘાતકી હત્યા’ કરવામાં આવી છે. કોન્સ્યુલેટે X પર પોસ્ટ કરીને માહિતી આપી કે, “અમે પરિવારના સંપર્કમાં છીએ અને તેમને શક્ય તમામ મદદ કરી રહ્યા છીએ. આરોપી ડલાસ પોલીસની કસ્ટડીમાં છે અને અમે આ મામલા પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.” માર્ટિનેઝનો ગુનાહિત ઈતિહાસ પણ છે, જેમાં અગાઉ વાહન ચોરી અને હુમલાના કેસ નોંધાયેલા છે.