નિવૃત્તિ બાદ પ્રથમ વખત કોઈ પ્રતિષ્ઠિત ભારતીય મેલ ક્રિકેટર ઓસ્ટ્રેલિયાની ટી 20 લીગમાં જોડાશે, યુએઈની ILT20 લીગ સમાપ્ત થયા બાદ જાન્યુઆરીની શરૂઆતમાં સિડની થન્ડર સાથે જોડાશે

મેલબોર્ન: ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયાની જાણીતી બિગ બેશ લીગ (BBL) માં રમવા જઈ રહ્યો છે. સિડની થન્ડર ક્લબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અને IPLમાંથી નિવૃત્તિ લીધેલા અશ્વિન સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર સાથે અશ્વિન પ્રથમ એવો પ્રતિષ્ઠિત ભારતીય ક્રિકેટર બનશે જેણે BBLમાં ભાગ લીધો હોય.
ફોક્સ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, ૩૯ વર્ષીય અશ્વિન યુએઈની ILT20 લીગ સમાપ્ત થયા બાદ જાન્યુઆરીની શરૂઆતમાં સિડની થન્ડર સાથે જોડાશે. આ કરારને કારણે BBLમાં ભારતીય ચાહકોની સંખ્યા વધવાની અને ટેલિવિઝન રેટિંગ્સમાં વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.
સામાન્ય રીતે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સક્રિય ભારતીય ખેલાડીઓને વિદેશી T20 લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. પરંતુ અશ્વિને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિ જાહેર કરતા હવે તેને વિદેશી લીગમાં રમવાનો અવસર મળ્યો છે.
અશ્વિન સિડની થન્ડરની ટીમમાં લોકી ફર્ગ્યુસન અને શાદાબ ખાન જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે જોડાશે. તેની હાજરીથી ટીમનો સ્પિન વિભાગ વધુ મજબૂત બનશે, ખાસ કરીને સિડની શોગ્રાઉન્ડની ધીમી પિચ પર. અશ્વિન અને શાદાબ ખાનની સ્પિન જોડી વિરોધી બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ કરારને કારણે અશ્વિનને ઑસ્ટ્રેલિયામાં એક નવી ક્રિકેટ યાત્રા શરૂ કરવાનો અવસર મળ્યો છે. અશ્વિનના આ નિર્ણયથી અન્ય ભારતીય ખેલાડીઓ માટે પણ ભવિષ્યમાં વિદેશી લીગમાં રમવાનો માર્ગ ખુલી શકે છે. સિડની થન્ડર તરફથી આ ડીલની સત્તાવાર જાહેરાત આ અઠવાડિયે થવાની શક્યતા છે.