બંને દેશના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન સામસામે આવી ગયા હતા અને આ ઘટના ગત સપ્તાહે બની
ભારત અને ચીન વચ્ચે લેહ ખાતે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે અરૂણાચલ પ્રદેશથી પણ તણાવના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ચીનના સૈનિકો અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સામસામે આવી ગયા હતા. કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મુદ્દો ઉકેલાયો હતો. ભારત અને ચીન, બંને દેશના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન સામસામે આવી ગયા હતા અને આ ઘટના ગત સપ્તાહે બની હતી.
ચીનના આશરે 200 સૈનિકોને અટકાવ્યા
જાણવા મળ્યા મુજબ અરૂણાચલ પ્રદેશના યાંગત્સે પાસે તવાંગ સેક્ટરમાં ગત સપ્તાહે ભારતીય સૈનિકોએ ચીનના આશરે 200 સૈનિકોને અટકાવ્યા હતા. ભારતીય સૈનિકોના પરસેપ્શન પ્રમાણે ચીની સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. ત્યાર બાદ ચીની સૈનિકોને કસ્ટડીમાં લેવા સંબંધી સવાલ મળવા લાગ્યા હતા. સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે ભારત-ચીન સરહદનું સત્તાવાર સીમાંકન નથી કરવામાં આવેલું. બંને દેશની સીમા રેખા પરસેપ્શન આધારીત છે અને પરસેપ્શનમાં અંતર છે.
બંને દેશ પોતપોતાની ધારણા પ્રમાણે પેટ્રોલિંગ કરે છે
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે બંને દેશ પોતપોતાની ધારણા પ્રમાણે પેટ્રોલિંગ કરે છે. બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારની અસહમતિ કે અથડામણનું પ્રોટોકોલ પ્રમાણે શાંતિથી સમાધાન કાઢવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના અહેવાલ પ્રમાણે આ ઘટના ગત સપ્તાહે બની હતી. સીમા પર શાંતિ વ્યવસ્થા કાયમ છે.