ઓસ્ટ્રેલિયાના આશાસ્પદ ગોલ્ફર 11 વર્ષીય ગુરમંતર સિંહનું મંગળવારે બસની ટક્કરથી થયું હતું મોત, ઘરથી માત્ર 50 મીટર જ દૂર હતો ત્યાં તેની સાયકલને બસે ટક્કર મારી

ગુરમંતર સિંહનો ગોલ્ફ રમતો ફોટો. કર્ટેસી –  https://www.sunshinecoastgolf.org/)

બસની ટક્કરથી દુ:ખદ રીતે મૃત્યુ પામેલા 11 વર્ષના ગુરમંતર ગિલના અંતિમ સંસ્કાર આજે ક્વીન્સલેન્ડના બુડેરીમમાં કરવામાં આવશે. ગુરમંતરને મંગળવારે બપોરના 3.45 વાગ્યે સનશાઇન કોસ્ટ પર બુડેરિમમાં કારાવાથા ડ્રાઇવ નજીક જિંગેલિક ડ્રાઇવ પર સ્કૂલ બસ સાથે અથડાતાં જીવલેણ ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સનશાઈન કોસ્ટ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું કરુણ મોત થયું હતું.

ધોરણ 6માં અભ્યાસ કરતો ગુરમંતર સિંહ શાળાએથી ઘરે સાયકલ ચલાવી જઇ રહ્યો હતો અને માનવામાં આવે છે કે તે તેના ઘરથી માત્ર 50 મીટર દૂર હતો ત્યારે આ અકસ્માત થયો હતો. દલજિંદર ગિલે મીડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર ગુરમંતર સાઇકલ પર સ્કૂલે જવા માંગતો હતો. ગુરમંતર મરૂચી રિવર ગોલ્ફ ક્લબનો એક ભાગ હતો અને તેની ગોલ્ફિંગ પ્રતિભાને કારકિર્દીમાં ફેરવવાનું સપનું હતું. તે સ્થાનિક જુનિયર ટુર્નામેન્ટમાં નિયમિતપણે ભાગ લેતો હતો અને સ્થાનિક સમુદાયને સમજાયું કે આ યુવાન છોકરાનું રમતમાં ઉજ્જવળ ભવિષ્ય છે.

સનશાઈન કોસ્ટ ગોલ્ફ ઝોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરમંતર “અમારા જુનિયર ગોલ્ફિંગ સમુદાયના ખૂબ જ પ્રિય સભ્ય હતા: પ્રતિભાશાળી યુવાન ગોલ્ફરને એક ઉત્સાહી અને પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે, જેની હાજરીએ તેમને જાણનારા બધા પર કાયમી છાપ છોડી હતી.

“ઊંડા ઉદાસી અને ભારે હૃદય સાથે, અમે અમારા પ્રિય પુત્ર ગુરમંતર સિંઘ ગિલના અકાળે અવસાનની જાહેરાત કરીએ છીએ, જે એક અકસ્માતમાં અમારી પાસેથી દુ:ખદ રીતે છીનવાઈ ગયો હતો,” પરિવારે તેમના અંતિમ સંસ્કારની સૂચના પર એક નિવેદનમાં આપ્યું હતું.