74 રનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ અશ્વિન અને ઐયરે 8મી વિકેટ માટે વિજયી 71 રનની ભાગીદારી નોંધાવી, અશ્વિન મેન ઓફ ધ મેચ
ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું હતું. તેઓએ મેચના ચોથા દિવસે (રવિવારે) સાત વિકેટ ગુમાવીને 145 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ સાથે ભારતે બે મેચની શ્રેણીમાં બાંગ્લાદેશનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો.
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને મેહિદી હસન મિરાજે મળીને વધુ ત્રણ વિકેટ લીધી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા હારી જશે, પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને આવું થવા દીધું નહીં. બંનેએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
જ્યારે ટીમ ઈન્ડિયાની સાત વિકેટ 74 રનમાં પડી ગઈ ત્યારે એવું લાગી રહ્યું હતું કે બાંગ્લાદેશ કોઈ ચમત્કાર કરી શકે છે. ભારતીય ટીમ દબાણમાં હતી. અહીંથી શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને ઇનિંગ સંભાળી હતી. પોતાના અનુભવનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરીને બંનેએ 71 રનની અણનમ ભાગીદારી કરી અને ટીમને જીત અપાવી. અશ્વિન 62 બોલમાં 42 અને શ્રેયસ અય્યરે 46 બોલમાં 29 રન બનાવીને અણનમ રહ્યા હતા.
મેચના ચોથા દિવસે રમત શરૂ થઈ ત્યારે અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ ક્રિઝ પર હતા. ઉનડકટ 16 બોલમાં 13 રન બનાવીને શાકિબની બોલ પર LBW આઉટ થયો હતો. તેના પછી ઋષભ પંત પણ પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ દાવમાં શાનદાર 93 રન બનાવનાર પંત બીજા દાવમાં માત્ર નવ રન જ બનાવી શક્યો હતો. તેને મેહદી હસન મિરાજે LBW કર્યો હતો. મહેદી ત્યાં જ અટક્યો નહીં. તેણે અક્ષર પટેલને ક્લીન બોલ્ડ કરીને ઇનિંગ્સમાં પાંચમી સફળતા હાંસલ કરી હતી. અક્ષરે 69 બોલમાં 34 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.