વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે સ્ટાર્ટઅપ મહાકુંભ ઇવેન્ટને સંબોધિત કરતી વખતે વચન આપ્યું હતું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.

તેમણે કહ્યું, ’25 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 110 યુનિકોર્ન સાથે, ભારત વિશ્વમાં ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે અને યોગ્ય નિર્ણયો સાથે વિકસિત રાષ્ટ્ર બનવા માટે રોડમેપ તૈયાર કરી રહ્યું છે.

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હવે માત્ર મેટ્રો શહેરો પૂરતું મર્યાદિત નથી રહ્યું, તે હવે એક સામાજિક સંસ્કૃતિ બની ગયું છે.

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

આ પ્રસંગે પીએમ મોદીએ વચન આપ્યું હતું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સ્ટાર્ટઅપ્સ મોટી ભૂમિકા ભજવશે. “સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ નવીન વિચારોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ઉદ્યોગસાહસિકો અને સાહસોને ભંડોળ સાથે જોડે છે” તેમ તેમણે કહ્યુ હતું.

યુવાનો નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બની રહ્યા છે

લોકોની બદલાતી માનસિકતા પર પ્રકાશ પાડતા મોદીએ કહ્યું કે ભારતના યુવાનોએ નોકરી શોધનારને બદલે જોબ ક્રિએટર બનવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે 45 ટકાથી વધુ ભારતીય સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરે છે. વડા પ્રધાને કહ્યું કે ભારતે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે, તેથી આ ક્ષેત્રમાં પાસે અને ન હોવાનો સિદ્ધાંત કામ કરી શકે નહીં. મોદીએ કહ્યું કે વચગાળાના બજેટમાં રિસર્ચ અને ઈનોવેશન માટે જાહેર કરાયેલ રૂ. 1 લાખ કરોડનું ફંડ ઉભરતા ક્ષેત્રોને મદદ કરશે.