ICCની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં બંનેે ટીમો ન્યુટ્રલ વેન્યુ પર રમે તેવી સંભાવના

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળવા માટે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ આતુર છે. T20 વર્લ્ડ કપ 2022માં આ બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. ક્રિકેટ પ્રેમીઓ માટે આ સાથે જોડાયેલા સારા સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ શકે છે. T20 વર્લ્ડ કપ દરમિયાન રમાયેલી મેચની સફળતાને જોઈને મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) આ બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચની યજમાની કરવા માંગે છે. MCC, જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) નું સંચાલન કરે છે અને વિક્ટોરિયન સરકારે તાજેતરમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચની યજમાની કરવા અંગે વાટાઘાટો કરી હતી.

પીટીઆઈ પર પ્રકાશિત સમાચાર અનુસાર, એમસીસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્ટુઅર્ટ ફોક્સે અહીં ઓક્ટોબરમાં રમાયેલી T20 વર્લ્ડ કપ મેચની જબરદસ્ત સફળતાને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં રસ દાખવ્યો છે. આ બંને દેશો વચ્ચે રમાયેલી આ મેચમાં 90 હજારથી વધુ દર્શકો હાજર રહ્યા હતા. ફોક્સે SEN રેડિયોને કહ્યું, “ચોક્કસપણે MCGમાં સતત ત્રણ ટેસ્ટ મેચ રમવી એ ખૂબ જ સારું રહેશે. સ્ટેડિયમ દર વખતે ખીચોખીચ ભરાઈ જશે અને અમે આ અંગે માહિતી લીધી છે.

તેમણે કહ્યું, “અમે આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી છે. હું જાણું છું કે (વિક્ટોરિયા) સરકારે પણ આવું જ કર્યું છે. હું જાણું છું કે વ્યસ્ત શેડ્યૂલ સાથે તે ખૂબ જ મુશ્કેલ છે, તેથી મને લાગે છે કે તે કદાચ એક મોટો પડકાર છે.

ફોક્સે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું, “એવી અપેક્ષા છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ અંગે ICC સાથે વાત કરવાનું ચાલુ રાખશે અને આ માટે આગ્રહ રાખશે. જ્યારે તમે વિશ્વભરમાં ઘણા ખાલી સ્ટેડિયમ જુઓ છો, ત્યારે મને લાગે છે કે ભરચક સ્ટેડિયમ અને ત્યાંનું વાતાવરણ રમત માટે વધુ સારું રહેશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી છેલ્લે 2007માં રમાઈ હતી. આ પછી, તેઓ ફક્ત ICC અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂર્નામેન્ટમાં જ સામનો કરી શક્યા છે. પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી સાયકલમાં 2023માં MCG ખાતે ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમવાનું છે. ફોક્સને આશા છે કે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની આ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડ કપની મેચની જેમ સ્ટેડિયમ ભરચક રહેશે.

તેમણે કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જે પ્રકારનું વાતાવરણ હતું, મેં MCGમાં આવું વાતાવરણ પહેલા ક્યારેય જોયું નથી. દરેક બોલ પછીનો અવાજ અભૂતપૂર્વ હતો. લોકોએ તેમના પરિવાર અને બાળકો સાથે તેનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો.