બાંગ્લાદેશ 183 રનના ટાર્ગેટ સામે 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શક્યું, ભારતનો 60 રને વિજય, હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર દેખાવ, 40 રન ઉપરાંત બે વિકેટ પણ ઝડપી, રિષભ પંતના 53 રન

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રને હરાવ્યું. શનિવારે (1 જૂન) ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ હતો, જોકે, તે 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શક્યું હતું.

બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ રિયાદે 28 બોલમાં 40 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે શાકિબ અલ હસને 34 બોલમાં બે ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિવમ દુબે અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે એક-એક સફળતા મેળવી હતી.

પંડ્યા-પંતે શાનદાર ઇનિંગ રમી હતી
આ પહેલા મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટે 182 રન બનાવ્યા હતા. ભારત માટે ઋષભ પંતે રિટાયર આઉટ થતા પહેલા 32 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને આટલા છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 23 બોલમાં અણનમ 40 રન બનાવ્યા જેમાં ચાર સિક્સ અને બે ફોરનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવે 31 રન અને કેપ્ટન રોહિત શર્માએ 23 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મહેદી હસન, શોરીફુલ ઈસ્લામ, મહમુદુલ્લાહ અને તનવીર ઈસ્લામે એક-એક વિકેટ લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે સંજુ સેમસને રોહિત શર્મા સાથે ઓપનિંગ કર્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને ગ્રુપ Aમાં આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની સાથે રાખવામાં આવી છે. ભારતીય ટીમની પ્રથમ ત્રણ ગ્રુપ મેચ ન્યૂયોર્કમાં યોજાશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. તેની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે થશે. જ્યારે ભારતીય ટીમ તેની ત્રીજી ગ્રુપ મેચ યુએસએ સામે 12 જૂને રમશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમાનાર છે.