ગિલ 74, ગાયકવાડ 71, રાહુલ 58*, સૂર્યકુમાર 50 રન, ભારત 281/5, ઓવર 48.4 ઓવર, ઓસ્ટ્રેલિયા 276 રન, શમીએ ઝડપી પાંચ વિકેટ
મોહાલીમાં 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું છે. મોહાલીમાં રમાયેલી ODIમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 276 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 52 રન, જોશ ઈંગ્લિસે 45 રન અને સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.
જવાબમાં ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગીલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 142 રન જોડ્યા. ઋતુરાજે 71 રનની ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 74 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવ 50 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 49મી ઓવરમાં શોન એબોટના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.
ભારતે 1996 પછી એટલે કે 27 વર્ષ પછી પહેલીવાર મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં જીત મેળવી છે. આ મેદાન પર બંને વચ્ચે આ છઠ્ઠી મેચ હતી. તેમાંથી ભારતે બે અને ઓસ્ટ્રેલિયાએ ચાર જીત મેળવી છે. 1996 બાદ હવે ભારતીય ટીમે જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર છેલ્લી ચાર વનડે જીતી હતી. શ્રેણીની બીજી વનડે 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે.