મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય BAPS વડા મહંત સ્વામિએ કહ્યું, તમામ ભારતીયો શાંતિ જાળવી રાખે. ભારતે આ મામલે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી અને કાર્યવાહીની માંગ કરી.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓટાવા
કેનેડામાં સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર ભારત વિરોધી વાતો લખવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, એટલું જ નહીં પરંતુ મંદિરની દિવાલને પણ થોડું નુકસાન થયું છે. અરાજક તત્વો દ્વારા મંદિરની દિવાલ પર ભારત વિરોધી લાઇન લખવામાં આવી છે. ભારત સરકારે આ બાબતે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

ઓટાવામાં ભારતીય હાઈ કમિશને તેના એક ટ્વિટમાં લખ્યું છે કે અમે ટોરોન્ટોમાં સ્વામી નારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની અને ભારત વિરોધી વસ્તુઓ લખવાની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કેનેડાના સત્તાવાળાઓને આ બાબતે વાકેફ કરવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા સાથે જોડાયેલા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

મહંત સ્વામીએ શાંતિની કરી અપીલ
કેનેડાના ટોરન્ટો શહેર ખાતે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોએ કરેલ ભારત વિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ છીએ. વિશ્વભરમાં વ્યાપેલા અન્ય બી.એ.પી.એસ. મંદિરોની જેમ જ, આ બી.એ.પી.એસ. મંદિર પણ શાંતિ, સંવાદિતા, સમરસતા, સંસ્કાર, નિસ્વાર્થ જનસેવા તેમજ વૈશ્વિક હિન્દુ મૂલ્યોનું ધામ છે. આવા સંસ્કૃતિ-ધામ પર આવેલી આ વિકટ વેળાએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે હરિભક્તો અને શુભેચ્છકોને શાંતિ જાળવવા હાર્દિક અપીલ કરી છે. આ વિકટ વેળાએ સહયોગ અને સહાનુભૂતિ આપવા બદલ ભારત અને કેનેડા સરકાર તેમજ તમામ સંસ્થાઓના અમે આભારી છીએ. આવો, સૌનું ભલું થાય એ ભાવના સાથે આપણે વ્યક્તિગત રીતે અને પોતપોતાના ઘરમંદિરમાં પ્રાર્થના કરીએ કે પરમાત્મા આપણને સૌને સૌનું ભલું કરવાની અને ભલું ઇચ્છવાની વધુ શક્તિ અને પ્રેરણા આપે.

સ્થાનિક નેતાઓએ શું કહ્યું ?
કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું કે ટોરોન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટનાથી હું દુઃખી છું. અમે બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક દેશમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.

બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને તેમની નિરાશા વ્યક્ત કરી અને લખ્યું કે આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. આશા છે કે જવાબદાર ગુનેગારોને વહેલી તકે ન્યાય આપવામાં આવશે.

આ સમગ્ર મામલે ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની અપવિત્રની ઘટનાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે.