ભારતીય ચલણને મજબૂત બનાવવા ભારતે શરૂ કરેલા પ્રયાસો હવે રંગ લાવી રહયા છે અને ભારતે પ્રથમવાર UAEને ક્રૂડ ઓઈલની ખરીદીના બદલામાં રૂપિયામાં ચૂકવણી કરી છે,મહત્વનું છે કે તેલની ખરીદી માટે અત્યારસુધી ડોલરમાં ચૂકવણી કરવાની પરંપરા 1970ના દાયકાથી ચાલી આવતી હતી જે હવે તૂટી છે અને રૂપિયાની બોલબાલા વધી છે.
આ પગલું મુખ્યત્વે દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રાષ્ટ્રીય ચલણ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ હોવાનું મનાય રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત તેની 85 ટકાથી વધુ તેલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભર રહે છે અને તેની સામે મોટા પ્રમાણમાં ડોલરમાં ચૂકવણી કરવી પડે છે.
જોકે,ભારત હવે વિશ્વમાં રૂપીયાથીજ વ્યવહાર કરવા અન્ય દેશોમાં ભાર મૂકે છે જેને ધીમે ધીમે પ્રતિસાદ મળવાનું શરૂ થયું છે ત્યારે આ સોદો હકારાત્મક પહેલ મનાય છે.ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) પાસેથી 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે સાથેજ રશિયાથી આયાત કરાઈ રહેલા ક્રૂડ ઓઈલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે.

ભારતે જુલાઈમાં અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના બદલામાં ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરવા માટે સંયુક્ત આરબ અમીરાત સાથે કરાર કર્યો હતો
ભારતની મધ્યસ્થ બેંક, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ક્રોસ બોર્ડર પેમેન્ટ્સમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય બેંકોને રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી છે.

ભારત વિશ્વમાં તેલના વપરાશમાં ત્રીજા ક્રમે છે ત્યારે તે રૂપિયામાં તેલની ખરીદારીને પ્રોત્સાહન આપવા માંગે છે

બીજી તરફ આરબીઆઈ પણ 22 દેશો સાથે રૂપિયામાં વેપાર કરવા માટે સંમત થઈ છે,પરિણામે ભારતીય ચલણનું પરિભ્રમણ વૈશ્વિક બનશે અને રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડોલરની માંગ ઘટાડવામાં પણ મદદ કરશે. આ સાથે વૈશ્વિક ચલણમાં ઘટાડાથી ભારતીય અર્થતંત્રને ઓછી અસર થશે.

ભારતે રશિયા પાસેથી અમુક જથ્થામાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે પણ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો.

અધિકારીઓનું કહેવું છે કે યુએસ ડોલરનો ઉપયોગ દાયકાઓથી વિદેશી વેપાર માટે કરવામાં આવે છે, પરંતુ હવે ભારત ડોલરનો ઉપયોગ ઘટાડવા અને ભારતીય રૂપિયામાં વેપારને પ્રોત્સાહન આપવા માંગે છે.
તેલની ખરીદી માટે ડોલરમાં ચૂકવણી કરવાની પરંપરા 1970ના દાયકાથી ચાલી રહી છે અને પહેલીવાર ભારતે રૂપિયામાં ચૂકવણી કરી આ પરંપરા તોડી છે કારણ કે ભારત હવે ડોલરની અદલાબદલીમાં થનારા ખર્ચથી બચવા માટે રૂપિયામાં વ્યાપારને પ્રોત્સાહન આપવા માંગે છે

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં 60 વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટ બનાવવાની મંજૂરી પણ આપી છે. હવે,રશિયા અને શ્રીલંકા જેવા દેશોમાંથી રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનશે.
મહત્વનું છે કે ભારતના નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે સંસદમાં પણ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્થાનિક અને વિદેશી એડીના સ્વરૂપમાં વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે.

વિશ્વના 18 દેશો સાથે ભારતનો વેપાર ડોલરના બદલે રૂપિયામાં થઈ શકે છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરની જગ્યાએ રૂપિયાને પ્રોત્સાહન આપવામાં રશિયા સૌથી આગળ છે
અલબત્ત,જે દેશોએ ભારત સાથે રૂપિયાનો વેપાર કરવામાં રસ લીધો છે તેમાં રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બોત્સ્વાના, ફિજી, ઈઝરાયેલ, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઓમાન અને બ્રિટનનો સમાવેશ થાય છે.