“વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ” અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ન્યૂઝીલેન્ડના રાજદૂત પેટ્રિક રાટા વચ્ચે યોજાઇ બેઠક, મુખ્યમંત્રીએ ન્યૂઝીલેન્ડની ‘એક્વાકલ્ચર અને ટેક્નોલોજી’ તજજ્ઞતાનો લાભ લેવા સૂચન કર્યું

Vibrant Gujarat Regional Conference 2025 : મહેસાણાના ખેરવા ખાતેની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના રાજદૂત શ્રીયુત પેટ્રિક જોન રાટાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠક યોજી હતી. રાટાએ રીજનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ’ના અભિનવ વિચાર સાથે ગુજરાતે VGRCની જે પહેલ કરી છે, તેની પ્રશંસા કરી હતી.

કૃષિ અને ડેરી ક્ષેત્રે પ્રગતિનો ઉલ્લેખ
શ્રીયુત પેટ્રિક જોન રાટાએ તેમની અગાઉની ગુજરાત મુલાકાત દરમિયાન એગ્રીકલ્ચર (કૃષિ), ડેરી અને કો-ઓપરેટિવ (સહકાર) સેક્ટરમાં જે પરસ્પર સહયોગની સંભાવનાઓ અંગે વાતચીત થઈ હતી, તેની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે NDDB અને અમૂલ તેમજ રાજ્યની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે મળીને સહકારિતાની ગતિવિધિઓ સુદ્રઢ કરવાની ઉજ્જવળ સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

મુખ્યમંત્રીનું પ્રેરક સૂચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ન્યૂઝીલેન્ડની તજજ્ઞતાનો લાભ ગુજરાત કેવી રીતે લઈ શકે તે માટે પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે એક્વાકલ્ચર (જળચરઉછેર) અને ટેક્નોલોજી શેરિંગના માધ્યમથી ‘પ્રતિ એકર ખેતી પાક વૃદ્ધિ’ માટેની સંભાવનાઓ ચકાસવા માટે ભાર મૂક્યો હતો.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંધ, અને સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.