ભારત હવે વિશ્વમાં પોતાનું એક સ્થાન બનાવી રહ્યું છે અને ભારતીય અર્થવ્યવસ્થા પણ આગળ વધી રહી હોવાનો દાવો વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહયો છે આ બધા વચ્ચે તાજેતરમાં ચીને સ્વીકાર્યું કે બન્ને દેશોની ભાગીદારી અસામાન્ય પરિણામો લાવી શકે તેમ છે ચીન સહિતના દુનિયાના દેશો ભારત સાથે વેપાર કરવા આતુર છે ત્યારે આ બધા વચ્ચે એક કદમ આગળ ચાલીને
ભારતે ચાબહારમાં ઈરાનના શાહિદ બેહેશ્તી પોર્ટને 10 વર્ષ માટે લીઝ પર લઈ લેતા હવે આ બંદરનું સમગ્ર સંચાલન ભારત પાસે આવી ગયું છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાત મોટી ગણાય છે એટલા માટે કે જેના વ્યાપાર સિવાય પણ અનેક એવા પરિબળો છે કે ભારતે પોતાના હરીફોને યોગ્ય સમયે જવાબ આપ્યો છે.
જોકે,પાકિસ્તાન અને ચાઈના જેવા દેશોને સ્વાભાવિક રીતેજ પસંદ આવ્યું નથી પણ અમેરિકા પણ તેમાંથી બાકાત નથી અને પ્રતિક્રિયા પણ આવી ગઈ કે જેમાં પ્રતિબંધોની આડકતરી ચીમકી પણ ઉચ્ચારી દીધી છે.

જોકે,ભારતને આ બધી વાતોથી કોઈ ફર્ક પડવાનો નથી અને પહેલી પ્રાથમિકતા એ છે કે કોઈ ઉપર ડિપેન્ટ રહેવું પડશે નહિ અને આ બંદર અનેકરીતે લાભકર્તા સાબિત થવાનું છે.

સોમવારે ભારતીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈરાની સમકક્ષની હાજરીમાં ઈન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને ઈરાનના પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાર પર હસ્તાક્ષર કર્યા તે પળ આવનારા સમયમાં ખૂબજ મહત્વપુર્ણ બની રહેવાની છે.

પ્રથમ દ્રષ્ટિએ જ આ ડીલથી ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે નવો રૂટ મળવા જઈ રહ્યો છે પરિણામે ભારતને હવે વાયા પાકિસ્તાનની જરૂર નહીં રહે. મતલબ કે હવે પાકિસ્તાનને બાયપાસ કરીને ભારત સીધા રૂટ ઉપરથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં માલ પહોંચાડી શકશે.

બીજું કે આ પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર કહેવામાં આવે છે,૭૨૦૦ કિમી લાંબા આ પ્રોજેક્ટમાં ચાબહાર પોર્ટ મુખ્ય સ્થાન ગણાય છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાતના કંડલા બંદરેથી ચાબહાર બંદર ૫૫૦ નોટિકલ માઇલના અંતરે છે જ્યારે ચાબહારથી મુંબઇ વચ્ચે ૭૮૬ નોટિકલ માઇલનું અંતર છે.
પરિણામે ભારત, ઇરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, આઝરબૈઝાન, રશિયા અને મધ્ય એશિયા તથા યુરોપમાંથી આયાત-નિકાસ કરવી સરળ થઈ જાય છે કારણ કે અત્યાર સુધી આ દેશોનો માર્ગ પાકિસ્તાન થઈને આવતો હતો જેની હવે જરૂર રહેતી નથી અને પાકિસ્તાન બાયપાસ થઈ જાય છે.
અગાઉ ભારતથી અફઘાનિસ્તાનમાં કોઈપણ સામાન મોકલવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડતું હતુ તેમાંય વળી બંને દેશો વચ્ચેના સરહદી વિવાદને કારણે અનેક અવરોધો વચ્ચે ભારત આમેય પાકિસ્તાન સિવાય અન્ય વિકલ્પ શોધી રહ્યું હતુ જે વિકલ્પ પણ મળી ગયો છે.

આ ડીલ હેઠળ, ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) ચાબહાર પોર્ટમાં $120 મિલિયનનું રોકાણ કરશે.

બીજી ખાસ વાત એ પણ છે કે ચાબહાર પોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ (INSTC) કોરિડોરને જોડે છે અને INSTC રશિયાથી શરૂ થાય છે, જે અઝરબૈજાન થઈને ઈરાન સાથે જોડાય છે,રશિયા અને મધ્ય એશિયાના દેશો INSTC દ્વારા તેમનો વેપાર વધારવા માંગે છે જેનો ફાયદો પણ મળવાનો છે.

ચાબહાર બંદરના વિકાસથી, અફઘાનિસ્તાનને માલ મોકલવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે.
અફઘાનિસ્તાન ઉપરાંત, આ બંદર ભારત માટે મધ્ય એશિયાના દેશો માટે પણ માર્ગો ખોલશે.

આ સિવાય ચાબહાર પોર્ટ અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ વચ્ચેનું અંતર લગભગ 170 કિલોમીટર છે અને અહીંથી ભારત પાકિસ્તાન પર સીધી નજર પણ રાખી શકશે કારણકે ગ્વાદર પોર્ટ પર ચીનની પક્કડ અને ચીન આ પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે તેથી ભારત અહીંથી ચીન અને પાકિસ્તાન ઉપર નજર રાખી શકશે.
બસ આજ કારણને લઈ ચીન અને પાકિસ્તાનને ગમ્યું નથી કારણ કે
ચાબહારથી માત્ર 172 કિલોમીટરના અંતરે આવેલા ગ્વાદર બંદરનો વિકાસ કરી રહેલા ચીન અને પાકિસ્તાન માટે પણ આ કરાર એક ફટકા સમાન છે. આ કરાર બાદ બંને બંદરો વચ્ચે સ્પર્ધા પણ થવાની શક્યતા છે.
ભારતે આ બંદર પર નિયંત્રણ મેળવવું એ પાકિસ્તાનના ગ્વાદર બંદર તેમજ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો વળતો જવાબ પણ છે.
ભારતનું માનવું છે કે ચાબહાર વધુ સારી કનેક્ટિવિટી અને ઓછા ખર્ચને કારણે વધુ પસંદગીનું બંદર બની રહેવાનું છે.

અલબત્ત,આ પ્રથમવાર છે કે જ્યારે ભારત કોઈ વિદેશી બંદરનું સંચાલન સંભાળી રહ્યું હોય.

ચાબહાર પોર્ટ ભારત માટે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને વિશાળ યુરેશિયન ક્ષેત્ર સાથે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી લિંક બની રહેશે.

મહત્વનું છે કે ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ પર કામ 2003 માં શરૂ થયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામી જ્યારે ભારત આવ્યા ત્યારે બંને દેશો વચ્ચે આ અંગે વાતચીત થઈ હતી.
ઇરાનના દક્ષિણ કાંઠે સિસ્ટાન-બલૂચિસ્તાન પ્રાંતમાં  ઓમાનના અખાતમાં આવેલાં ચાબહાર પોર્ટને વિકસાવવા માટે ૨૦૦૩માં નવી દિલ્હીએ દરખાસ્ત કરી હતી.
ભારત બંદર માટે મદદ આપવા સંમત થયું અને તે વખતે 2013 માંભારતે ચાબહારના વિકાસ માટે $100 મિલિયનનું વચન આપ્યું હતું.

જોકે,આ ડીલ હેઠળ ભારતીય કંપની ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) ચાબહાર પોર્ટમાં $120 મિલિયનનું રોકાણ કરશે.
આ રોકાણ ઉપરાંત $250 મિલિયનની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેથી આ કરાર લગભગ $370 મિલિયનમાં પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 માં પીએમ મોદી જ્યારે ચાબહારની મુલાકાતે ગયા ત્યારે તેઓએ ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને એક કેન્દ્રીય પરિવહન બિંદુ તરીકે ચાબહાર સહિત આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરના વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની 2018 માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે બંનેએ બંદરમાં ભારતની ભૂમિકાને વિસ્તૃત કરવાની વાત કરી હતી જે બાદ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વિદેશ મંત્રી એસ જયશંકરની તેહરાન મુલાકાત દરમિયાન પણ વાત થઈ હતી અને આખરે તે દિવસ આવી ગયો.
ત્યારબાદ વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે જણાવ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી ચાબહાર બંદર ચોક્કસપણે વધુ રોકાણ અને જોડાણ જોવા મળશે

ઓમાનની ખાડીમાં આવેલા ચાબહાર બંદર ઈરાનનું એકમાત્ર ડીપ સી બંદર છે જે સમુદ્રમાં સીધો પ્રવેશ ધરાવે છે તેવા સમયે ભારતે કરેલા કરાર બાદ
અમેરિકાએ તેની પ્રતિક્રિયામાં કહ્યું છે કે ઈરાન સાથે વ્યાપારી સોદા કરનાર કોઈપણ દેશ પર પ્રતિબંધોનું જોખમ છે.
તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ જાણતા હતા કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે અમને ખબર છે કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હું ઈચ્છું છું કે ભારત સરકાર ચાબહાર પોર્ટ અને ઈરાન સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં તેની વિદેશ નીતિના ઉદ્દેશ્યો વિશે વાત કરે.
વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટ પર ઈરાન સાથે ભારતની સમજૂતી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું એટલું જ કહેવા માંગુ છું કે તે અમેરિકાથી સંબંધિત છે, ઈરાન પર અમેરિકન પ્રતિબંધો છે અને અમે તેને જાળવી રાખીશું.
ઈરાન સાથે વેપાર સોદા અંગે વિચારણા કરનાર કોઈપણ વ્યક્તિ કે દેશ સંભવિત જોખમો અને પ્રતિબંધોથી વાકેફ હોવા જોઈએ તેમ કહી તેઓએ એક ચીમકી પણ આપી છે, જોકે, આ જ અમેરિકાએ ચાબહાર પોર્ટ ડીલ અંગે ભારતને છૂટ આપી હતી તે વાત તે ભૂલે છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન ભારતને છૂટ મળી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ જયારે અમેરિકામાં પ્રમુખ હતા તે દરમિયાન અમેરિકાએ ચાબહાર પોર્ટ ડીલ અંગે ભારતને છૂટ આપી હતી.
અમેરિકાએ તે વખતે એવું પણ કહ્યું હતું કે આ પ્રવૃત્તિઓ અફઘાનિસ્તાનના વિકાસ અને માનવતાવાદી રાહત માટે ચાલુ સમર્થન માટે મહત્ત્વપૂર્ણ છે.

આ છૂટ ભારતને ઈરાન ફ્રીડમ એન્ડ કાઉન્ટર-પ્રોલિફરેશન એક્ટ 2012 (IFCA) હેઠળ બંદરના વિકાસ અને રેલવે લાઇનના નિર્માણ માટે આપવામાં આવી હતી જેમાં ભારત સહિત ઘણા દેશો માલસામાનની શિપિંગ કરી શકે અને પોર્ટ દ્વારા ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી શકે તેવો ઈરાદો હતો.

અમેરિકાએ ઈરાન પર શા માટે લગાવ્યા છે પ્રતિબંધો જાણો

અમેરિકાએ ઈરાન પર તમામ વેપાર પ્રતિબંધો લગાવી દીધા તેમજ અમેરિકી સરકારે દેશમાં તમામ ઈરાની સંપત્તિઓ પર પણ રોક લગાવી દીધી છે.
એટલુંજ નહિ અમેરિકાએ સહયોગી દેશોને પણ ઈરાનને મદદ કરવા અને હથિયારો વેચવા પર પણ રોક લગાવી દીધી છે જેના કારણોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ, માનવાધિકારનું ઉલ્લંઘન અને આતંકવાદી સંગઠનોને સમર્થન આપવા જેવી બાબતો છે.
ઈરાન જ એક એવો દેશ છે જેના પર અમેરિકાએ સૌથી વધુ પ્રતિબંધો લગાવ્યા છે.

ગત મહિને ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો, ત્યારબાદ અમેરિકાએ તેના પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. અમેરિકાએ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ, ઈરાની સંરક્ષણ મંત્રાલય અને ઈરાની શાસન સાથે સંકળાયેલી મિસાઈલ અને ડ્રોન પ્રોડક્શન કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
આમ,હવે ચાબહાર પોર્ટ પર ઈરાન સાથે ભારતની સમજૂતી બાદ અમેરિકાએ ભારતને ચેતવણી આપી છે.

આ પહેલા વર્ષ 2011માં પણ અમેરિકાએ ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમના કારણે જ્યારે આર્થિક પ્રતિબંધો લગાવ્યા તે વખતે
વર્ષ 2012 માં, અમેરિકાએ વિશ્વના તમામ દેશોની બેંકોને ઈરાનના તેલના બદલામાં કરવામાં આવતી ચૂકવણી બંધ કરવા ફરમાન કર્યું હતુ.

જોકે, ભારત સહિત સાત દેશોને છૂટ અપાઈ હતી પણ ઈરાન પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતે તેમ કર્યું ન હતુ અને ઈરાન પાસેથી તેલ ખરીદવાના મામલે ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું હતુ અને અમેરિકાની અવગણના કરી ભારતે તેલ ખરીદ્યું હતું હવે આ બંદર મામલે અમેરિકાએ આપેલી ચેતવણીનો પણ ભારતને કોઈ ફેર પડે તેમ નથી લાગતું અને વિશ્વમાં વેપાર તેમજ દરીયાઈ વ્યૂહાત્મક મામલે પોતાના દમ ઉપર આગળ વધશે તેમાં કોઈ બે મત નથી.