ભારતીય સેનાએ 17 હજાર ફૂટની ઉંચાઇ પર અડિંગો જમાવવાનો ડ્રેગન ચીનનો નાપાક ઇરાદો નિષ્ફળ બનાવ્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. નવી દિલ્હી
અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ફરી એકવાર વિવાદિત LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે ચીનના સૈનિકો 9 ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય જવાનોએ તેમને રોક્યા, જેના પર બંને વચ્ચે ઝપાઝપી થઈ. હિંસક અથડામણ બાદ ચીને નિવેદન જારી કરીને કહ્યું છે કે સરહદ પર સ્થિતિ સ્થિર છે. લદ્દાખના ગલવાનમાં 30 મહિના પહેલા પણ હિંસક અથડામણ થઈ હતી. 1962માં ભારત-ચીન યુદ્ધવિરામ બાદ આ છઠ્ઠી વખત છે જ્યારે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ છે.

LAC પર હિંસક અથડામણ ક્યારે થઈ?

  1. નાથુ લા પાસ (1967) – 1962ના યુદ્ધના 5 વર્ષ પછી જ ચીને સિક્કિમમાં નાથુ લા પાસ પર હુમલો કર્યો. તે સમયે ભારતીય સૈનિકો વાયર મૂકીને નાથુ લાથી સેબુ લા સુધીની સરહદનું મેપિંગ કરી રહ્યા હતા. બંને દેશના સૈનિકો વચ્ચે લગભગ 20 દિવસ સુધી આ લડાઈ ચાલી. આ યુદ્ધમાં ભારતના લગભગ 80 જવાનો શહીદ થયા હતા. આમાં ચીનને ભારે નુકસાન થયું હતું અને તેના લગભગ 400 સૈનિકો માર્યા ગયા હતા.
  1. તુલુંગ (1975) – આસામ રાઈફલ્સના સૈનિકો અરુણાચલના તુલુંગમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીને હુમલો કર્યો. ભારતીય સૈનિકોએ પણ ચીનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જો કે આ હિંસામાં 4 ભારતીય જવાનો શહીદ થયા હતા. અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ તુલુંગ લા નજીક એલએસીના 500 મીટરની અંદર પથ્થરો દાટી દીધા હતા, જેને દૂર કરવા આસામ રાઈફલ્સના જવાનો પહોંચ્યા હતા. તે જ સમયે ચીને ઓચિંતો હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. LAC બોર્ડર પર ફાયરિંગની આ છેલ્લી ઘટના હતી.
  1. તવાંગ (1987) – તે સમયે ચીનમાં લી જિનિયાંગ સત્તા પર હતું અને ચીન વિસ્તરણવાદના માર્ગે ચાલવાની તૈયારી કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.ભારતે પહેલાથી જ અહીં સૈનિકો તૈનાત કરી દીધા હતા. તવાંગની આસપાસ ગોરખા રાઈફલ્સના 200 જવાનો તૈનાત હતા. અથડામણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે MI-26 હેલિકોપ્ટર પણ તૈનાત કર્યા હતા. સરહદ પર બંને દેશો વચ્ચે લગભગ 9 મહિના સુધી તણાવ ચાલુ રહ્યો. આ સમયગાળા દરમિયાન ભારતે અરુણાચલને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપ્યો હતો. મે 1987 માં, બેઇજિંગમાં બંને દેશોના વિદેશ પ્રધાનોની બેઠક પછી પરિસ્થિતિ સ્થિર થઈ.
  1. ડોકલામ (2017) – ચીન, ભારત અને ભૂટાનની સરહદ ડોકલામના પર્વત પર મળે છે. 18 જૂન 2017ના રોજ 300 ભારતીય સૈનિકોએ ચીનને રોડ બનાવવાથી રોકી હતી. આ પછી લગભગ 75 દિવસ સુધી અહીં વિવાદનો માહોલ રહ્યો. આ દરમિયાન ઘણી વખત યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ ભારતીય જવાનો સરહદ પર અડગ રહ્યા હતા. અંતે, કરાર હેઠળ, ઓગસ્ટ 2017 માં, બંને દેશોએ તેમના સૈન્યને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો.
  1. ગલવાન (2020) – 15 જૂને લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લગભગ 8 કલાક સુધી ચાલેલા આ લોહિયાળ મુકાબલામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.ઓસ્ટ્રેલિયન ન્યૂઝ સાઇટ ‘ધ ક્લેક્સન’ના તપાસ રિપોર્ટ અનુસાર, આ હિંસામાં ચીનના 38 સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીને માત્ર 4 સૈનિકોના મોતની પુષ્ટિ કરી હતી.
  1. તવાંગ (2022) – 9 ડિસેમ્બરે તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 6 ભારતીય જવાનો ઘાયલ થયા છે. હોંગકોંગના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હિંસક અથડામણમાં 20 ચીની સૈનિકો પણ ઘાયલ થયા છે.

ચીન સાથે શા માટે વિવાદ, 3 મુદ્દા…
ગાલવાન-પેંગોંગ સરોવરના વિસ્તારમાં બંને દેશો વચ્ચે સરહદ નિશ્ચિત નથી. ચીન મેકમોહન લાઇનને સ્વીકારતું નથી. ભારત અને ચીન વચ્ચે 3448 KMની જમીની સરહદ છે, જેનું સીમાંકન કરવામાં આવ્યું નથી. પેટ્રોલિંગ દરમિયાન અથડામણ થાય છે. ચીન અરુણાચલને તિબેટનો ભાગ માને છે, ભારત અક્સાઈ ચીનને પોતાનું ગણાવે છે. આથી બંને દેશો વચ્ચે મુકાબલાની સ્થિતિ છે.

ચીનની વિસ્તરણ નીતિ, ભારતને ઘેરવાની 2 યોજનાઓ…

  1. સરહદ પર પુલનું નિર્માણ- ચીન પેંગોંગ તળાવ પાસે 400-400 મીટરના 2 પુલ બનાવી રહ્યું છે. તે આ વર્ષે સેટેલાઇટ ઇમેજ પરથી બહાર આવ્યું હતું. ચીન આ બ્રિજ તે વિસ્તારોમાં બનાવી રહ્યું છે જ્યાં તેનો લગભગ 60 વર્ષથી ગેરકાયદે કબજો છે. આ 8 ફૂટ પહોળા બ્રિજના નિર્માણ બાદ ચીની સૈનિકોના નાના વાહનો સરળતાથી આવી-જઈ શકશે. ભારતનો ચીન સાથે પેંગોંગ તળાવ પાસે પણ વિવાદ છે.
  1. નો મેન્સ લેન્ડ પર સૈનિકોએ તંબુ લગાવ્યા – નો મેન્સ લેન્ડ એટલે – બે દેશો વચ્ચે વિવાદિત જમીન. રિપોર્ટ અનુસાર ચીને નો મેન્સ લેન્ડના લગભગ 1000 કિમી વિસ્તાર પર કબજો જમાવ્યો છે. ચીની સૈનિકોએ આ જમીનો પર તંબુ લગાવ્યા છે. આ સાથે ચીને અરુણાચલને અડીને આવેલા ઘણા ગામોના નામ પણ બદલી નાખ્યા છે.

આખરે ચીન શા માટે વારંવાર કાર્યવાહી કરી રહ્યું છે?

  1. શી જિનપિંગે ત્રીજી વખત સત્તા મેળવી, તેમણે વિસ્તરણવાદનું બ્યુગલ ફૂંક્યું. 63 પાનાના વર્ક રિપોર્ટમાં શીએ ચીની દળો માટે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આમાં PLA ના રાષ્ટ્રીય સંરક્ષણના કેન્દ્રીય ધ્યેયને હાંસલ કરવાનો અને સૈન્યના વધુ આધુનિકીકરણનો સમાવેશ થાય છે.
  2. તાઈવાનના મુદ્દે ચીન આખી દુનિયામાં ખરાબ રીતે ઘેરાયેલું છે. તેથી, આ મુદ્દાને વાળવા માટે, ભારત વારંવાર સરહદ પર વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.