ભારત 4 વિકેટે 178 રન, વેસ્ટ ઇન્ડીઝ 176 રન, કેપ્ટન રોહિત શર્માના 60, સૂર્યકુમાર યાદવના 34, ઇશાન કિશન 28, દિપક હુડ્ડા 26 રને અણનમ

@BCCI

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 6 વિકેટે પરાજય આપ્યો છે. વેસ્ટ ઇન્ડીઝે આપેલા 177 રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 28 ઓવરમાં જ 4 વિકેટે 178 રન કરી લીધા હતા. ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ઇશાન કિશાન અને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 13 ઓવરમાં જ 84 રન જોડ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધારે 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 બોલમાં 60 રન નોંધાવ્યા હતા જ્યારે ઇશાન કિશને 28 રનની ઇનિંગ્સ રમી હચી. જોકે બંનેની પાર્ટનરશિપ બ્રેક થયા બાદ ભારતે 32 રનના ગાળામાં જ વધુ ત્રણ વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી 8 રને તથા રિષભ પંત 11 રને આઉટ થયા હતા. જ્યારે પ્રથમ વન-ડે રમી રહેલા દિપક હુડ્ડાએ અણનમ 26 રન તથા સૂર્યકુમાર યાદવે નોટઆઉટ 34 રન નોંધાવ્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 62 રન નોંધાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ 176 રનમાં ઓલઆઉટ થયું
આ પહેલા ભારતે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને બેટિંગમાં ઉતાર્યું હતું. જોકે મેચની ત્રીજી જ ઓવરમાં શાઇ હોપ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બ્રેન્ડન કિંગ અને ડેરેન બ્રેવોએ 31 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે વોશિંગ્ટન સુંદરની ઓવરમાં બંને પેવેલિયન પરત ફર્યા હતા. આ તરફ વેસ્ટ ઇન્ડિઝ પોતાની ઇંનિંગ્સને સંભાળે તે પહેલા જ યુઝવેન્દ્ર ચહલની પહેલી જ ઓવરમાં નિકોલસ પૂરન અને કેઇરોન પોલાર્ડ બંને પેવેલિયન પરત ફર્યા હતા. યુઝવેન્દ્ર ચહલે કરિયરની 100મી વિકેટ તરીકે પૂરનને આઉટ કર્યો હતો. આ તરફ માત્ર જેસન હોલ્ડર અને ફેબિયન એલને ઇનિંગ્સને સંભાળવાની કોશિશ કરી હતી. હોલ્ડરે 4 છગ્ગાની મદદથી 57 રન નોંધાવ્યા હતા તથા ફેબિયન એલને 29 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી ચહલે સૌથી વધારે 49 રનમાં ચાર તથા સુંદરે 30 રનમાં 3 વિકેટ ઝડપી હતી જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 29 રનમાં બે વિકેટ અને સિરાજે એક વિકેટ પ્રાપ્ત કરી હતી.

ચહલે વિકેટની સેન્ચ્યુરી પૂરી કરી
યુઝવેન્દ્ર ચહલ વનડેમાં 100 વિકેટ લેનારો 23મો ભારતીય ખેલાડી બન્યો. તેણે 60 મેચમાં આ કમાલ કર્યો છે. તેની પહેલા મોહમ્મદ સમીએ 56 મેચમાં 100, જસપ્રીત બુમરાહે 57 મેચમાં 100, કુલદીપ યાદવે 58 મેચમાં 100 તથા ઇરફાન પઠાણે 59 મેચમાં 100 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી.

ભારત 1000 વન-ડે મેચ રમનારો પ્રથમ દેશ બન્યો
વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી મેચ સાથે જ ભારત 1000 મેચ રમનારો પહેલો દેશ બની ગયો છે. ભારતે 1974 માં ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ વન-ડે મેચ રમી હતી. 48 વર્ષના ટીમ ઇન્ડિયાના વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં ભારતે બે વન-ડે વિશ્વ કપ 1983 અને 2011માં જીત્યા છે. જ્યારે વર્ષ 2000માં તથા 2013માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ પોતાના નામે કરી છે.