વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં ભારતીય બોલર્સે લાજ રાખી, હર્ષલ પટેલની ચાર વિકેટ, યુઝવેન્દ્ર ચહલ 3 વિકેટ સાથે મેન ઓફ ધ મેચ

વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શનને પગલે સાઉથ આફ્રિકાને હાર આપી છે. આ સાથે જ પાંચ મેચની સીરિઝ ટીમ ઇન્ડિયાએ જીવંત રાખી છે. ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની અડધી સદી બાદ યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલની શાનદાર બોલિંગની મદદથી ભારતે પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમ સામે 48 રને વિજય નોંધાવ્યો હતો.

સાઉથ આફ્રિકા હાલમાં 2-1થી આગળ છે. પ્રવાસી ટીમના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 179 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકન ટીમ 19.1 ઓવરમાં 131 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.

180 રનના લક્ષ્યાંકના જવાબમાં સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બંને વન-ડેમાં ધમાકેદાર બેટિંગ કરનારા સાઉથ આફ્રિકન બેટર્સ આ મેચમાં વધારે કમાલ કરી શક્યા ન હતા. સુકાની ઓપનર ટેમ્બા બાવુમા આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે રીઝા હેન્ડરિક્સ સાથે મળીને 23 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ તેમાં તેનું યોગદાન ફક્ત આઠ રનનું રહ્યું હતું. હેન્ડરિક્સે 20 બોલમાં 23 રન ફટકાર્યા હતા જેમાં બે ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જ્યારે ડ્વેઈન પ્રીટોરિયસે 16 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે 20 રન ફટકાર્યા હતા.